ગુજરાત જતું ગૅસ ટૅન્કર સળગ્યું: ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક જૅમ…

થાણે: નવી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં થાણે નજીક ઘોડબંદર રોડ પર અચાનક આગ લાગતાં ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અડધા કલાકમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ ઇજા થઈ નહોતી.
નવી મુંબઈના મ્હાપેથી 19 ટન ગૅસ ભરીને ટૅન્કર ગુજરાત જઈ રહ્યું હતું. ટૅન્કર ઘોડબંદર રોડ પરના પાતલીપાડા બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એકાએક આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવરનું ધ્યાન જતાં તે સમયસર ટૅન્કરની બહાર નીકળી ગયો હતો.
બનાવની જાણ થતાં બે ફાયર ટેન્ડર્સ અને રેસ્ક્યૂ વેહિકલ સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ મદદે પહોંચી હતી. એ સિવાય ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ પણ ઘટનાસ્થળે ગઈ હતી.
અધિકારીના જણાવ્યા મુજબ અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગ ઓલવ્યા પછી બે ટોઈંગ વૅન અને ક્રેનની મદદથી ટૅન્કરને બ્રિજ પરથી નીચે ઉતારી રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યું હતું. દરમિયાન આગને કારણે ઘોડબંદર રોડ પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. ભારે ટ્રાફિક જૅમને લીધે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ટૅન્કરને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)
આ પણ વાંચો…નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક બસે રાહદારીઓને અડફેટમાં લીધા: છ જણ ઘાયલ