થાણે-ઘોડબંદર રૂટ પર રવિવાર સુધી ભારે વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિકની સમસ્યા વધશે

મુંબઈ: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર બાંધકામ વિભાગ દ્વારા થાણે-ઘોડબંદર રૂટ પર ગાયમુખથી કાજુપાડા ઘાટ સુધી રસ્તાના સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું છે, તેથી આવતીકાલથી લઈ ૧૪ ડિસેમ્બરના રવિવાર સુધી સતત ત્રણ દિવસ માટે આ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલા થાણે-ઘોડબંદર રોડની ખરાબ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ, વહીવટીતંત્રે તાત્કાલિક મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના ફાઉન્ટેનથી ગાયમુખ સુધીના સાડા ચાર કિલોમીટર લાંબા રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. ૨૪ નવેમ્બરના રોજ આ રસ્તો ભારે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. આ કામ પૂર્ણ થયા પછી પણ, મુસાફરો ગાયમુખથી કાજુપાડા સુધીના માર્ગ પર ખાડા હોવાની ફરિયાદ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : થાણે-ઘોડબંદર રોડ પરથી અવરજવર કરનારા વાહનચાલકો માટે મોટા ન્યૂઝ, જાણી લો તો ફાયદામાં રહેશો…
આ પૃષ્ઠભૂમિમાં થાણે જાહેર બાંધકામ વિભાગ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ માર્ગનું સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આવતીકાલે રાતના ૧૨ વાગ્યાથી થી ૧૪ ડિસેમ્બરના રાતે ૧૨ વાગ્યા સુધી આ રૂટ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની પોલીસે અપીલ કરી છે. વાહનચાલકો આ રૂટને બદલે વૈકલ્પિક માર્ગ તરીકે, શિરસાડ ફાટાથી ગણેશપુરી અને ચિંચોટી-ખારબાવ થઈને મુસાફરી કરી શકશે.
ગુજરાતથી આવતા વાહનોએ મનોર-વાડા નાકા થઈને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. થાણેથી ઘોડબંદર તરફ જતા વાહનોને વાય જંકશનથી નાસિક રોડ થઈને સીધા માનકોલી તરફ વળવાની સૂચના આપવામાં આવી છે. વિરારથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર જનારા વાહનોને શિરસાડ જંકશનથી વરસાવે દિશામાં નોએન્ટ્રી રહેશે.
આ પણ વાંચો : એમએમઆરડીએનું 2025-26 માટેનું બજેટ: માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવી ભંડોળની 87 ટકા રકમ…
વસઈથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર જનારા વાહનોને ચિંચોટી ચેકપોઇન્ટથી વરસાવે દિશામાં પ્રવેશવાની મનાઈ રહેશે. મુંબઈ અથવા મીરા ભાઈંદરથી ઘોડબંદર રોડ થઈને આવતા વાહનોને ફાઉન્ટેન હોટલ નજીકથી થાણેમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.



