થાણેમાં યુવાન પર ગોળીબાર: ચારની ધરપકડ

થાણે: મિત્રો સાથે દારૂ પીવા બેસેલા યુવાન પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની થાણેમાં બનેલી ઘટનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. વર્તક નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મલ્હારી કોકરેએ જણાવ્યું હતું કે ઘટના 11 જૂનની મધરાતે બની હતી.
વીર સાવરકર નગર ખાતેના મેદાનમાં 23 વર્ષનો યુવાન મિત્રો સાથે દારૂ પીવા બેઠો હતો. આરોપીઓ મેદાન પર આવ્યા ત્યારે યુવાન સાથે બોલાચાલી થઈ હતી. એક આરોપીએ ગુસ્સામાં યુવાનની દિશામાં ગોળીબાર કર્યો હતો. જોકે સમયસર યુવાન નીચે બેસી જતાં તે બચી ગયો હતો.
આપણ વાંચો: કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર થયો ગોળીબાર, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
આરોપીએ પિસ્તોલમાંથી એક જ રાઉન્ડ ફાયર કર્યું હતું. ગોળીબાર બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.
આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 352, 351(2) અને 61(2) તેમ જ આર્મ્સ ઍક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ બાદ પોલીસે ચારેય આરોપીને પકડી પાડ્યા હતા. (પીટીઆઈ)