આમચી મુંબઈ

બળાત્કારના આરોપમાંથી મુક્તિ, પણ જાતીય ઇરાદો સ્પષ્ટ: કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

થાણે: ગંભીર જાતીય કુકર્મ કે અપરાધ કરવાનો ‘ઇરાદો’ આરોપી ધરાવતો હોવાનું દર્શાવતી પીડિતાની જુબાનીના આધાર પર થાણેની વિશેષ અદાલતે 2022માં બાળકીના અપહરણ અને જાતીય હુમલાના કેસમાં 29 વર્ષના શખસને ત્રણ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.

જોકે તબીબી તારણોના અભાવે કોર્ટે આરોપીને બળાત્કારના ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યો હતો. કોર્ટે તેને 500 રૂપિયાનો પણ દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ચૂકવે તો વધુ છ વર્ષની સાદી કેદની સજા કોર્ટે સંભળાવી હતી.

21 એપ્રિલ, 2022ના રોજ તે સમયે આઠ વર્ષની બાળકી ભિવંડીના ફંદોલેનગર વિસ્તારમાં રમતી હતી ત્યારે આરોપી ઈમરાન મુન્નુ શેખે તેનું અપહરણ કર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરી મૂકતાં સ્થાનિક રહેવાસીઓએ તેને બચાવી લીધી હતી.

શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376-એબી (12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે બળાત્કાર) સહિતની અન્ય કલમો તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જજ એન. કે. કારાંડેએ સગીરાની જુબાની પર વધુ આધાર રાખ્યો હતો. જાતીય ગુનામાં પીડાના પુરાવાને હંમેશાં ભૌતિક રીતે સરખાવવાનું જરૂરી નથી હોતું, એવી નોંધ કોર્ટે કરી હતી.

શારીરિક ઇજાઓનો અભાવ જોતાં જજે નોંધ કરી હતી કે જો પીડિતા સાથે દુષ્કર્મ કરાયું હોત તો ગુપ્તાંગમાં ઇજા થઈ હોત. આ કેસમાં બળાત્કાર સાબિત થતો નથી. જોકે આરોપી પીડિતાને તે રમતી હતી ત્યાંથી લઈ ગયો અને તેના ગુપ્તાંગને સ્પર્શ કર્યો હતો, જે જાતીય હેતુ હતો એવું સ્પષ્ટ દર્શાવે છે, એમ પણ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button