આમચી મુંબઈ

કોરોના મહામારી વખતે મહિલા ડૉક્ટર સાથે મારપીટ કરનારાને સાત વર્ષની કેદ…

થાણે: કોરોના મહામારી વખતે 2021માં મહિલા ડૉક્ટર સાથે મારપીટ કરી લૂંટ ચલાવવા પ્રકરણે થાણે સેશન્સ કોર્ટે આરોપીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. તબીબોને ટાર્ગેટ કરી હિંસા આચરનારાઓને આ સજાથી કડક સંદેશ મળશે, એવી નોંધ જજે કરી હતી.

એડિશનલ સેશન્સ જજ વસુધા ભોસલેએ આદેશમાં આરોપી રશિદ શકિલ ખાન (56)ને સાત વર્ષની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર આર. પી. પાટીલે કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીએ માઝા મૂકી હતી ત્યારે આરોપી ત્રીજી જાન્યુઆરી, 2021ના રોજ ડૉ. ગાયત્રી નંદલાલ જયસ્વાલના ક્લિનિકમાં આરટી-પીસીઆર ટેસ્ટ સંબંધી પૂછપરછને બહાને ગયો હતો. તેને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ગુસ્સામાં તે ત્યાંથી જતો રહ્યો હતો.

આરોપી થોડા જ સમયમાં પાછો આવ્યો હતો અને હથોડાથી તેણે મહિલા ડૉક્ટર પર હુમલો કર્યો હતો. માથામાં હથોડો વાગતાં ડૉક્ટર લોહીલુહાણ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી ડૉક્ટરની સોનાની ચેન, વીંટી, મોબાઈલ ફોન અને પાંચ હજારની રોકડ લૂંટી આરોપી ફરાર થઈ ગયો હતો.

ડૉક્ટરને મગજમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસમાં ઇજા પહોંચાડવાના અને ચોરી કરવાના ઇરાદાથી ઘાતક શસ્ત્ર સાથે ઘૂસણખોરી, તબીબ વિરુદ્ધ હિંસાની વિવિધ કલમો હેઠળ આરોપીને સજા કરવામાં આવી હતી. ડૉક્ટરને થયેલી ઇજા ગંભીર પ્રકારની ઇજાની વ્યાખ્યામાં આવે છે, તેમાં શંકાને કોઈ સ્થાન ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

હિંસાની જે પ્રવૃત્તિઓને રોકવા અને દંડ કરવા માટે કાયદો ઘડવામાં આવ્યો છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુનાની ગંભીરતા જોતાં પીડિતાને ન્યાય આપવા માટે દાખલારૂપ સજા થવી જરૂરી છે, જેથી અન્યો પણ આવા ગુના કરવાથી ખચકાટ અનુભવે, એવું કોર્ટે જણાવ્યું હતું.

આ ઘટનાથી ડૉક્ટરને શારીરિક અને માનસિક આઘાત લાગ્યો હતો તેથી ભરપાઈ માટે દંડની રકમમાંથી 10 હજાર રૂપિયા ડૉક્ટરને ચૂકવવાના નિર્દેશ કોર્ટે આપ્યા હતા. ખટલા દરમિયાન 14 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button