
થાણે: થાણેની વિશેષ અદાલતે ડોમ્બિવલીના 2017ના ચોરીના એક કેસમાં ત્રણ આરોપીને સજા સંભળાવી હતી, પરંતુ તેમની સામેના મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળના આરોપ પડતા મુકાયા હતા.
એમસીઓસીએ કોર્ટના સ્પેશિયલ જજ વી. જી. મોહિતેએ આરોપી રાહુલ મચ્છિન્દ્ર શિંદે (44) અને દત્તા ઉમરાવ શિંદે (35)ને ભારતીય દંડ સંહિતાની કલમ 380 હેઠળ કસૂરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ત્રીજા આરોપી અમિત ઉર્ફે પ્રવીણ પ્રેમચંદ ભાગરેચા (44)ને કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 411 હેઠળ દોષી ઠેરવી પચીસ દિવસની કેદની સજા સંભળાવી હતી.
કોર્ટે ત્રણેય આરોપીને એમસીઓસીએ હેઠળના આરોપમાંથી મુક્તિ આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપીઓ પર લગાવાયેલી એમસીઓસીએની કલમો હેઠળનો ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે. તપાસ પક્ષ અનુસાર ત્રીજી માર્ચ, 2017ની રાતે પોલીસની ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમને ડોમ્બિવલીના ચંદ્રેશ પાર્ક વિસ્તારમાં નજરે પડેલા ચોરોની માહિતી મળી હતી. પોલીસે પાંચ ચોરોનો પીછો કરી દત્તા શિંદેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ટોરીનું ટીવી અને શસ્ત્ર મળી આવ્યું હતું. તે સમયે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. બાદમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી સોનાના દાગીના હસ્તગત કર્યા હતા. (પીટીઆઈ)