પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલની મારપીટના કેસમાં બે મહિલા નિર્દોષ

થાણે: મુંબ્રા પોલીસ સ્ટેશનમાં 2012માં મહિલા કોન્સ્ટેબલ સાથે ઝઘડો કરીને તેની મારપીટ કરવાના કેસમાં થાણે સેશન્સ કોર્ટે બે મહિલા આરોપીને નિર્દોષ ઠેરવી હતી. પોલીસે એક આરોપી મહિલાના પરિવારના સભ્યને તાબામાં લીધો હતો, જેને પગલે થયેલા વિવાદમાં મહિલાને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
એડિશનલ સેશન્સ જજ વી. જી. મોહિતેએ ચુકાદામાં નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો. કોર્ટે તપાસમાં રહેલી ઊણપો અને ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાનીમાં વિરોધાભાસ હોવાની વાતને પણ ધ્યાનમાં લીધી હતી.
આ પણ વાંચો: પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…
આરોપી નિલોફર અઝહર ખાન (51) અને નસિમા અબ્દુલ રેહમાન બિહારી ઉર્ફે બેપારી (63) વિરુદ્ધ 13 વર્ષ અગાઉ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં વિવાદ દરમિયાન મહિલા કોન્સ્ટેબલને ગાળો ભાંડવી, બચકાં ભરવાં અને મારપીટના આરોપ હતા.
ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે કેસનો નિર્ણય લેતી વખતે આરોપી બેપારીના પુત્રને વાજબી કારણ વિના પૂછપરછ માટે તાબામાં લેવાની પોલીસની કાર્યવાહીને અવગણી શકાય નહીં. આ સંજોગોમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓ કોઈ જાહેર ફરજ બજાવી રહ્યા હતા, એવું કહી શકાય નહીં.
તપાસકર્તા પક્ષના સાક્ષીઓના પુરાવા જણાવે છે કે ઘટનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ આઢવની વરદી ફાટી ગઈ હતી. જોકે તપાસ અધિકારીએ તપાસકર્તા પક્ષના સાક્ષી તે અન્ય કોઈ સાક્ષીના ફાટેલા ગણવેશ જપ્ત કર્યા નથી, જેથી તેમના પુરાવાને સમર્થન આપી શકાય, એવું કોર્ટે નોંધ્યું હતું.
(પીટીઆઈ)