દાયકા લાંબી કાનૂની લડાઇ બાદ થાણેની કોર્ટે બળાત્કારના આરોપમાંથી શખસને મુક્ત કર્યો

થાણે: થાણેની કોર્ટે ફરિયાદીની જુબાનીમાં અનેક વિસંગતિઓ પર પ્રકાશ પાડતાં 40 વર્ષના શખસને વારંવાર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીના આરોપમાંથી મુક્ત કર્યો હતો.
એડિશનલ સેશન્સ જજ ડી,એસ. દેશમુખે 12 જાન્યુઆરીએ આપેલા આદેશમાં જણાવ્યું હતુે કે ફરિયાદી પક્ષ તેનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે.
આરોપીની ભાભી (ફરિયાદી)એ આક્ષેપ કર્યો હતો કે નવેમ્બર, 2014થી લઇ એપ્રિલ, 2015 દરમિયાન તેની આર્થિક સમસ્યાઓ અને પુત્રીની બીમારીનો ફાયદો ઉઠાવીને આરોપીએ વારંવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના પતિને મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી.
આપણ વાચો: સુરતમાં દીકરી પર બળાત્કાર-હત્યાના આરોપીને કોર્ટે છોડી મૂક્યો, પોલીસ કેમ રહી નિષ્ફળ ?
જજ દેશમુખે મહિલા દ્વારા ‘પ્રતિકાર’ના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું. જો તે તેની ધમકીથી ડરતી હોત અને તેની જાતીય પ્રવૃત્તિઓનોે પ્રતિકાર કરવા માગતી હોત તો તે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકી હોત, એમ જજે જણાવ્યું હતું.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નાણાંનો વિવાદ હતો, કારણ કે ફરિયાદી મહિલાએ તેની ઊલટતપાસમાં કબૂલ્યું છે કે તેણે તેની પુત્રીની સારવાર માટે સમયાંતરે આરોપી પાસેથી રૂપિયા લીધા હતા.
તબીબી અધિકારીઓ અને તપાસકર્તા અધિકારીઓ સહિત ફરિયાદ પક્ષના છ સાક્ષીના પુરાવાની સમીક્ષા કર્યા બાદ કોર્ટે તારણ કાઢ્યું હતું કે મહિલાની જુબાની વિશ્ર્વાસપાત્ર નથી. કોર્ટે આરોપી સામેના તમામ આરોપ રદ કર્યા હતા. (પીટીઆઇ)



