એઆઈથી ટ્રેનનો બોગસ પાસ બનાવ્યો: બૅન્કની સેલ્સ મૅનેજર અને એન્જિનિયર પતિ પકડાયો

થાણે: ખાનગી બૅન્કની સેલ્સ મૅનેજર અને તેના એન્જિનિયર પતિએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૂલ્સની મદદથી લોકલ ટ્રેનનો બોગસ પાસ બનાવ્યો હતો, પરંતુ ટિકિટ ચેકર (ટીસી)ની સતર્કતાથી બન્ને ઝડપાઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ બુધવારે દંપતીનું કથિત ફ્રોડ સામે આવ્યું હતું. કલ્યાણથી દાદર જઈ રહેલી એસી લોકલ ટ્રેનમાં ટીસી પ્રવાસીઓની ટિકિટ તપાસવા ચઢ્યો હતો. એ ટ્રેનમાં ખાનગી બૅન્કમાં સેલ્સ મૅનેજર તરીકે કામ કરતી મહિલા પ્રવાસ કરતી હતી. કલ્યાણથી ડોમ્બિવલી દરમિયાન ટીસીએ મહિલાનો પાસ તપાસ્યો હતો.
ટીસી વિશાલ તુકારામ નવલેએ ગુડિયા ઓમકાર શર્મા (28) પાસે ટિકિટ જોવા માગી હતી. ગુડિયાએ તેની પાસે સિઝન પાસ હોવાનું કહ્યું હતું, પણ રેલવેની અધિકૃત મોબાઈલ ઍપ યુટીએસ પર તેનો પાસ દેખાતો નહોતો. પરિણામે ટીસીને શંકા ગઈ હતી.
આ પણ વાંચો: બોગસ પાસપોર્ટની મદદથી ઓમાન જતી મહિલા ઍરપોર્ટ પર પકડાઈ
ગુડિયાએ જે પાસ બતાવ્યો હતો તેના સિરિયલ નંબરની ચકાસણી કરવા ટીસીએ સેન્ટ્રલ રેલવે હેલ્પલાઈન પર સંપર્ક સાધ્યો હતો. હેલ્પલાઈનના અધિકારીએ આ પાસની સમયમર્યાદા ફેબ્રુઆરીમાં જ પૂરી થઈ હોવાનું કહ્યું હતું. વળી, એ પાસ ઓમકાર શર્મા નામના પુરુષનો હોવાનું જણાયું હતું. ઓમકાર શર્મા ગુડિયાનો પતિ હોવાનું ટીસીને જાણવા મળ્યું હતું.
આ ફ્રોડ હોવાનું જણાતાં મહિલા અને તેના 30 વર્ષના પતિને તાબામાં લેવાયાં હતાં. ઓમકારે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેણે એઆઈની મદદથી આ ફ્રોડ કર્યું હતું, એવો દાવો અધિકારીએ કર્યો હતો.
(પીટીઆઈ)



