ચાઈનીઝ ફૂડ આપવામાં મોડું કર્યું એમાં તલવારથી ધિંગાણું…

થાણે: ચાઈનીઝ સ્ટૉલના કર્મચારીએ ફૂડ આપવામાં મોડું કરતાં યુવાનોએ તલવારથી ભારે ધિંગાણું મચાવ્યું હોવાની ઘટના થાણેમાં બની હતી. સ્ટૉલની તોડફોડ અને તલવારથી ઘા કરવાની સાથે સામાન વેરવિખેર કરી નાખવા પ્રકરણે પોલીસે પાંચથી છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 23 ઑક્ટોબરની મધરાતે બની હતી, પરંતુ ઘટનાને પગલે ડરી ગયેલા ફરિયાદીએ આ પ્રકરણે બુધવારે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે વાગળે એસ્ટેટ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટનાની રાતે થાણેના મેન્ટલ હૉસ્પિટલ નજીકના ચોકમાં ચાઈનીઝનો સ્ટૉલ શરૂ કરી ફરિયાદી કામ નિમિત્તે બહાર ગયો હતો. મધરાતે બે યુવાન સ્ટૉલ પર નાસ્તો કરવા આવ્યા ત્યારે કર્મચારીઓ અન્ય ગ્રાહકોના ઑર્ડરમાં વ્યસ્ત હતા. આ વાતને લઈ બન્ને યુવાનને ગુસ્સો આવતાં રકઝક પર ઊતર્યા હતા. કહેવાય છે કે ભેગા થયેલા લોકોએ બન્નેને ત્યાંથી ભગાડી મૂક્યા હતા.
થોડા સમય પછી બન્ને જણ તેમના સાથીઓ સાથે આવ્યા હતા. તલવારની ધાકે દમદાટી આપી ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ બાબતે કર્મચારીએ ફરિયાદીને ફોન કર્યો હતો. ફરિયાદી મિત્ર સાથે આવતાં એક આરોપીએ તલવારથી હુમલો કર્યો હતો, જેને પગલે ફરિયાદીના મિત્રના પગ પર ઇજા થઈ હતી. બાદમાં સ્ટૉલની તોડફોડ કરી આરોપી રફુચક્કર થઈ ગયા હતા.



