ફોરેક્સ ટ્રેડિંગ સ્કૅમમાં થાણેના બિઝનેસમૅને 4.11 કરોડ ગુમાવ્યા…

થાણે: ફોરેક્સ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવા લલચાવીને થાણેના બિઝનેસમૅન પાસેથી 4.11 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ સ્કૅમમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદને આધારે સાયબર પોલીસે બુધવારે ઑનલાઈન ટ્રેડિંગ કંપની અને વિદેશી નાગરિકો ટ્રેસી ક્લર્ક, પૉલ ટ્યુડોર, બ્રૅન કૅમરોન અને બેન્જામિન જૅડર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 316(5) તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આરોપીએ માર્ચથી જુલાઈ, 2025 દરમિયાન 42 વર્ષના ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ માટે લલચાવ્યો હતો. ફરિયાદીએ રોકાણની તૈયારી દાખવતાં આરોપીએ તેના મોબાઈલ ફોન પર સમયાંતરે લિંક્સ મોકલવામાં આવી હતી અને ફરિયાદીને ઊંચા વળતરની લાલચ અપાઈ હતી.
આરોપીઓના દાવા પર વિશ્વાસ કરી ફરિયાદીએ વિવિધ બૅન્ક ખાતાંમાં 4.11 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ફરિયાદીએ નાણાં પરત મેળવવાનો પ્રયાસ કરતાં આરોપીએ ઉડાઉ જવાબ આપવા માંડ્યા હતા. પોતે છેતરાયો હોવાની જાણ થતાં બિઝનેસમૅને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસને શંકા છે કે આ રૅકેટ વિદેશથી ઑપરેટ થાય છે. ફરિયાદીએ જે બૅન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની વિગતો પોલીસ મેળવી રહી છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…ગેરકાયદે ઑનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં સાત સ્થળે ઈડીની સર્ચ