ઠાકરે પરિવાર દેહરાદૂન જવા રવાનાઃ નિતેશ રાણેનો દાવો, કહ્યું બેબી પેંગ્વિનની જલ્દી થશે ધરપકડ
મુંબઇ: ઠાકરે પરિવાર કાલે બપોરે 1 વાગ્યે દેહરાદૂન જવા રવાના થયો હોવાનો દાવો ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય નિતેશ રાણેએ સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને કર્યો છે.
ભાજપના પ્રચાર માટે દેવેન્દ્ર ફડણવીસ છત્તીસગઢની મુલાકાતે હોવાથી ઉદ્ધવ ઠાકરેએ તેમના પર ટીકા કરી હતી. જરાંગે પાટીલની ભૂખ હડતાળ પાછી ખેંચાય ત્યાં સુધી તમે રોકાઇ નહતાં શકતાં? શું આ જ છે તમારી મરાઠા અનામત અંગેની ચિંતા? એવો સવાલ હવે નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેને કર્યો છે.
મરાઠા આંદોલન દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ પક્ષના પ્રચાર માટે છત્તીસગઢના પ્રવાસે હતાં ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તેમના પર ટીકા કરી હતી. ત્યારે હવે નિતેશ રાણે આ વાતને લઇને ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધ્યો છે. ઠાકરે પરિવાર ગઇ કાલે બપોરે દેહરાદૂન જવા રવાના થયો છે. શું આ જ છે તમારી મરાઠા અનામત અંગેની ચિંતા? જરાંગે પાટીલનું ઉપવાસ આંદોલન સમેટાઇ ન જાય શું ત્યાં સુધી તમે રોકાઇ નહતાં શકતા? આવો સવાલ નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેને કર્યો છે.
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની થોડા જ દિવસોમાં ધરપકડ થવાની છે. તેથી ઉદ્ધવ ઠાકરે વિચલીત થઇ ગયા છે એવો દાવો પણ રાણેએ કર્યો હતો. આજે ફરી એકવાર નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેનું નામ ન લેતાં ઠાકરે જૂથને છંછેડ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જલ્દી જ બેબી પેંગ્વિનની ધરપકડ થવાની શક્યતા છે એમ રાણેએ લખ્યું હતું.
લગભગ ત્રણ વર્ષ પહેલાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. તેના થોડાં દિવસ પહેલાં જ દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ નિતેશ રાણેએ સતત આ બંને કેસમાં આદિત્ય ઠાકરેનું નામ લીધું છે. આ કેસની તપાસ હાલ સીબીઆઇ કરી રહી છે. દશેરાની સભા બાદ આદિત્ય ઠાકરે દેશ છોડીને જશે. સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનની આત્મહત્યાના કેસમાં ધરપકડથી બચવા માટે આદિત્ય દેશ છોડી જશે એમ રાણેએ કહ્યું હતું.