મુંબઈમાં ઠાકરે જૂથ બાવીસ બેઠકો પર લડશે? શું કહ્યું સંજય રાઉતે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ બેઠકોની વહેંચણીની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બેઠકોની વહેંચણી મુદ્દે જ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો દ્વારા મુંબઈમાં એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક વિશે માહિતી આપતા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મુંબઈમાં મહાવિકાસ આઘાડીની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મુંબઈની બેઠકોની વહેંચણી વિશે સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી.
મહાવિકાસ આઘાડીના ત્રણેય પ્રમુખ પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજર હતા અને ખૂબ જ સરળ રીતે આ બેઠક પાર પડી હતી. આ બેઠકમાં મુંબઈની 99 ટકા બેઠકોની વહેંચણી મુદ્દે અમે એકબીજા સાથે સંમત થયા છે. મુંબઈ એ મોટો પ્રદેશ છે અને મહારાષ્ટ્રની રાજધાની છે. એટલે મુંબઈ વિશે ચર્ચા કરવા માટે અમે ઘણો સમય લીધો.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર
એવામાં મહાવિકાસ આઘાડીના અમુક નેતાઓ ઉદ્ધવ ઠાકરે જૂથના ભાગે મુંબઈની 22 બેઠકો આવી હોવાનો દાવો કરી રહ્યા હોવાનું સંજય રાઉતને જણાવાતા તેમણે આ બાબતે કોઇ ટિપ્પણી કરવાની મનાઇ ફરમાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે અમારા ક્યા સહકારીએ શું કહ્યું અને કોણ શું બોલ્યું એ વિશે હું કંઇ નહીં બોલું. હું ફક્ત એટલું કહીશ કે મુંબઈની 99 ટકા બેઠકો વિશે નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.
મુંબઈ ‘આમચી’, પેટમાં દુ:ખે તે દવા લે
રાઉતે આ ઉપરાંત જણાવ્યું હતું કે મુંબઈ હંમેશાથી જ શિવસેનાની અને મરાઠી માણસના વર્ચસ્વ હેઠળ રહી છે. એટલે મુંબઈમાં બેઠકોની વહેંચણી અમે ખૂબ જ કાળજીપૂર્વક કરી છે. એટલે મુંબઈ અમારા જ તાબામાં રહે એ રીતે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી છેલ્લાં તબક્કામાં છે અને તેનાથી કોઇના પણ પેટમાં દુ:ખે તેમ નથી. જો કોઇના પેટમાં દુ:ખે તો તેણે એ માટે દવા લઇ લેવી.