પશ્ચિમ રેલવેમાં વધુ એક સ્ટેશને ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો, રેલવે પ્રધાને શું કહ્યું?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેના મહત્ત્વના ટર્મિનસ પૈકી વધુ એક ટર્મિનસ આગામી દિવસોમાં પશ્ચિમ રેલવેમાં તૈયાર કરવામાં આવશે. વસઇ રેલવે સ્ટેશનમાં ૨૦૧૩થી રખડેલા રેલવે ટર્મિનસની ફરી એક વાર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તરફથી જાહેરાત કરવામાં આવી છે. વસઈ રોડ રેલવે સ્ટેશનમાં ટર્મિનસ બનાવો, એવી માગણી રેલવે પ્રવાસી સંગઠન સહિત પ્રવાસીઓ સતત કરી રહ્યા હતા.
વસઈ રેલવે ટર્મિનસને આખરે પ્રધાનમંડળે માન્યતા આપતાં ટૂંક સમયમાં જ રેલવે ટર્મિનસ તૈયાર કરવામાં આવશે, એવી માહિતી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી હતી. મુંબઈના વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટ પૈકી પશ્ચિમ રેલવેના વસઈ ટર્મિનસને કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે.
આ પહેલાં ૨૦૧૮માં તત્કાલીન રેલવે પ્રધાન પીયૂષ ગોયલે વસઇમાં રેલવે ટર્મિનસ બનાવવા માટેની જાહેરાત કરીને ૨૦૨૩ સુધી પૂરું કરવાની જાહેરાત કરી હતી. વસઈથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ બહારગામ જવા માટે પ્રવાસ કરતા હોય છે. આને કારણે વસઈ રોડ રેલવે સ્ટેશનમાં ટર્મિનસ બનાવવા માટેની માગણી અનેક વર્ષોથી થઇ રહી હતી.
આપણ વાંચો: મધ્ય રેલવેમાં ફરી ડિરેલમેન્ટ, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર
વસઈમાં રહેતા નાગરિકોએ બહારગામ જવું હોય તો બાંદ્રા, કુર્લા, દાદર અને સીએસએમટી રેલવે સ્ટેશને જવું પડતું હોય છે. પશ્ચિમ રેલવેમાં દરરોજ ૧૦૩ લાંબા અંતરની ટ્રેન આવ-જા કરે છે. એ પૈકી દરરોજ ૪૩ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી છૂટે છે.
આ તમામ ટ્રેનો વસઇ રોડ રેલવે સ્ટેશનથી જ પસાર થતી હોય છે. વસઈ ટર્મિનસ તૈયાર થઇ જાય તો તેનો ફાયદો અનેક નાગરિકોને થશે અને પશ્ચિમ રેલવે પરનાં અન્ય ટર્મિનલ પરની ભીડ પણ થોડી ઓછી થશે.