પીએચડીના વિદ્યાર્થીના દેશવિરોધી કારસ્તાન, ટાટા ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીને કર્યો સસ્પેન્ડ
મુંબઈ: ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ(ટીઆઇએસએસ-ટીસ) દ્વારા દેશના અહિતમાં હોય તેવી પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ એક પીએચડી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થતો હોવાના કારણે ટીસ દ્વારા 30 વર્ષના રામદાસ પ્રીનીસિવાનંદન નામના વિદ્યાર્થીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં પીએસએફ-ટીસના બેનર હેઠળ વિરોધ પ્રદર્શનમાં જોડાવવું, રામ મંદિર વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે 26 જાન્યુઆરી પહેલા ‘રામ કે નામ’ જેવી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ યોજવું, બીબીસીની ગોધરા ઉપર બનેલી પ્રતિબંધિત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કેમ્પસમાં યોજવું વગેરે પ્રવૃત્તિઓમાં રામદાસ સામેલ હતો.
આપણ વાંચો: પીએચડી કર્યા પછી તમે શું ધાડ મારશો?
સસ્પેન્ડ કરાયા બાદ રામદાસના મુંબઈ, તુળજાપુર, હૈદરાબાદ અને ગુવાહાટીના ટીસના કેમ્પસમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રામદાસે ભગતસિંહ મેમોરિયલ લેક્ચરનું આયોજન કરી તેમાં વિવાદાસ્પદ વક્તાઓને આમંત્રણ આપ્યું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
આ અંગેની નોટિસ રામદાસને મોકલવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમે અભિવ્યક્તી અને વિચાર સ્વાતંત્ર્યના નામે જાણીબૂઝીને અને હેતુપૂર્વક ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થતા હોવાનું જણાય છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે. તમારી પ્રવૃત્તિઓ દેશના હિતમાં નથી અને ટીસ એક જાહેર સંસ્થા હોવાના કારણે દેશનું નામ ખરાબ થાય તેવી દેશ-વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની પરવાનગી ન આપી શકે. આ તમામ પ્રવૃત્તિ ગુનાહિત શ્રેણીમાં આવે છે.
મૂળ કેરળના રામદાસે ટીસના આ આદેશ વિરુદ્ધ અપીલ કરશે, તેમ જણાવ્યું હતું.