5.84 કરોડના સોના સાથે તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશથી કથિત દાણચોરીથી ભારત લાવવામાં આવેલું અંદાજે 5.84 કરોડ રૂપિયાનું સોનું કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ જપ્ત કર્યું હતું. શનિવારે એઆઈયુએ બે અલગ અલગ કેસમાં તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ કરી હતી.
એઆઈયુના અધિકારીના જણાવ્યા મુજબ મળેલી માહિતીને આધારે ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટમાં દુબઈથી આવેલા અમિત પારસમલ જૈન (46)ને ઍરપોર્ટની ગ્રીન ચૅનલ પાસે રોકવામાં આવ્યો હતો. તાડદેવ સ્થિત ગામડિયા કોલોની ખાતે રહેતા જૈન પાસેથી 24 કૅરેટ સોનાની 44 લગડી અને અન્ય 10 તોલા સોનું મળી આવ્યું હતું.
જૈન પાસેથી મળી આવેલા સોનાની કિંમત 3.24 કરોડ રૂપિયા હોવાનું અધિકારીનું કહેવું છે. મુંબઈની બજારમાં વેચીને વધુ નફો રળવાને ઇરાદે જૈન દુબઈથી આ સોનું ખરીદી લાવ્યો હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.
બીજા કેસમાં એઆઈયુના અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કેનિયાની નાગરિક સમીરા મોહમ્મદ અબ્દી (37), ફૈઝા અબ્દી દેખ હસન (25) અને ફરદોઉસા અહમદ અબ્દી (30)ને તાબામાં લીધી હતી. તપાસ દરમિયાન ઈથિયોપિયન ઍરલાઈન્સની ફ્લાઈટમાં અદિસ અબાબાથી આવેલી મહિલાઓની 2.60 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી અંગે ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મહિલાઓએ તેમની પાસેના સોનાનો ઉલ્લેખ ડિક્લેરેશન ફોર્મમાં કર્યો હતો. જોકે તેમની અંગઝડતી લેતાં આંતરવસ્ત્રોમાંથી સોનાની વધુ 11 લગડી મળી આવી હતી. મહિલાઓએ કબૂલ્યું હતું કે કેનિયામાં સોનું સસ્તું મળતું હોવાથી ત્યાંથી ખરીદી કરીને ભારત લાવવામાં આવ્યું હતું. નૈરોબીમાં રહેતા અહમદ નામના શખસ પાસેથી આ સોનું ખરીદવામાં આવ્યું હતું. સોનું મુંબઈમાં વેચીને સારોએવો નફો કમાવાની યોજના મહિલાઓની હતી.