રાજ્યમાં સ્વાઈન ફ્લૂનું જોખમ વધ્યું, થાણેમાં નોંધાયા આટલા કેસ

મુંબઈ: ચોમાસું આવતાની સાથે જ પાણીજન્ય બીમારીનું જોખમ વધી રહ્યું છે ત્યારે આ વખતે થાણેમાં સ્વાઇન ફ્લૂએ આરોગ્ય વિભાગને ચિંતામાં મૂકી દીધા છે. ફક્ત જૂન મહિનામાં જ થાણેમાં સ્વાઇન ફ્લૂના 70 દર્દીઓ મળી આવતા જીવલેણ એવા સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઊંચક્યું હોવાનો ભય છે.
ગયા વર્ષે આખા ચોમાસા દરમિયાન સ્વાઇન ફ્લૂના કુલ 87 દર્દીઓ નોંધાયા હતા ત્યારે એકલા જૂન મહિનામાં જ 70 દર્દીઓ મળી આવતા આરોગ્ય વિભાગે પણ સાવચેતીના પગલાં લેવાના શરૂ કરી દીધા છે અને સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે વિશેષ વૉર્ડ તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Swine flu in Gujarat: છેલ્લા પાંચ મહિનામાં સ્વાઈન ફ્લૂના 1022 કેસ નોંધાયા અને 27 દર્દીનાં મોત
છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવશે, તેવી માહિતી થાણે પાલિકાના જનસંપર્ક અધિકારીએ આપી હતી. વર્ષ 2009માં સ્વાઇન ફ્લૂએ ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો અને અનેક જણ મોતને ભેટયા હતા. તાજેતરમાં કોરોના પહેલા જો કોઇ રોગચાળો ફેલાયો હોય તો તે સ્વાઈન ફ્લૂ હતો અને 2009માં તેના કારણે આખી દુનિયામાં 2,85,400 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જોકે, આ રોગથી ગભરાવવાને બદલે યોગ્ય કાળજી લેવી નાગરિકો માટે જરૂરી હોવાનું પાલિકાનું કહેવું છે. કોરોના માટે જે રીતે કાળજી લેતા હતા એ જ રીતે વારંવાર હાથ ધોવા, ઉધરસ-છીંક ખાતી વખતે રૂમાલ કે હાથ વચ્ચે રાખવો, સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવું વગેરે સાવચેતી રાખવાથી આ રોગ દૂર રહે છે.
કોરોનાની જેમ જ સ્વાઇન ફ્લૂને પણ ડબલ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-વિશ્વ આરોગ્ય સંસ્થા) દ્વારા ચેપી રોગ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, આ રોગ પ્રાણીઓના કારણે મનુષ્યને થતો હોય છે. આ રગોના વાઇરસને એચ1એન1 નામ આપવામાં આવ્યું હતું.