બાંદ્રા-વરલી સી લિંક પર એસયુવીએ છ કારને ટક્કર મારી, 3નાં મોત, 6 ઘાયલ
મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પર પુરપાટ વેગે આવતી એસયુવી કારે ટોલ પ્લાઝા પાસે કેટલાક વાહનોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગુરુવારે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે ટોલ પોસ્ટથી માત્ર 100 મીટર પહેલાં બાંદ્રા તરફ આવી રહેલી એક ટોયોટા ઇનોવા કાર મર્સિડીઝ સાથે અથડાઈ હતી. ત્યારબાદ ચાલકે કાર સાથે ઘટના સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરતા ટોલ કતારમાં ઉભેલા અન્ય કેટલાક વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે ટોલ બૂથ પર ઉભેલા છ વાહનો એકબીજા સાથે અથડાતા તેમાં બેઠેલા લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને નજીકની ભાભા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટક્કર બાદ એસયુવી કારની સ્પીડ વધી હતી અને તે ટોલ પ્લાઝા પર અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ છ વાહનોને નુકસાન થયું હતું. આમાં નવ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. ઘાયલ થયેલા અન્ય છ લોકોમાંથી બેની હાલત ગંભીર છે. મૃતકોમાં બે મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. સાથે જ ઈનોવા કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આરોપી ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે અને ઈનોવા કાર પણ જપ્ત કરવામાં આવી છે.
5.6 કિલોમીટર લાંબો આઠ લેનવાળો બાંદ્રા-વરલી સી લિન્ક પશ્ચિમ મુંબઈના બાંદ્રાને દક્ષિણ મુંબઈના વરલી સાથે જોડે છે. તાજેતરમાં જ આ બ્રીજ પર કેટલાક કાર અકસ્માતો થયા હતા.