સુશાંત સિંહ મૃત્યુ કેસ: દિશા સાલિયાનના મોતનો કેસ ખૂલ્યો જ્યારે રિયા ચક્રવર્તીને મળી ક્લિન ચીટઃ જાણો વિગતવાર

મુંબઈ: એક તરફ બોમ્બે હાઈ કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાનો કેસ ફરી ખુલવા જઈ રહ્યો છે, ત્યારે ગઈ કાલે શનિવારે બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કોર્ટમાં બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. ક્લોઝર રિપોર્ટમાં CBIએ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના પરિવાર સામે લગાવવામાં આવેલા આરોપોને પાયા વિહોણા ગણાવીને ક્લિનચીટ આપી હતી. રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ શનિવારે CBIનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો.. દિશા સાલિયન કેસ પર ફડણવીસનું નિવેદન, સરકાર કોર્ટના આદેશ મુજબ કાર્ય કરશે
વકીલ માનેશિંદેએ એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું, “અમે સીબીઆઈના આભારી છીએ કે તેમણે કેસના દરેક પાસાની તમામ એન્ગલથી તપાસ કરી અને કેસ બંધ કર્યો. સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ખોટી વાતો ફેલાવવી સંપૂર્ણપણે અયોગ્ય હતી”.
એક નિવેદનમાં માનેશિંદેએ કહ્યું, “પેનડેમિકને કારણે, દેશમાં બધું ઠપ્પ હોવાથી, દરેક વ્યક્તિ ટેલિવિઝન અને સોશિયલ મીડિયા સામે તાકીને બેઠું હતું. નિર્દોષ લોકોને પકડીને મીડિયા અને તપાસ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીને યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હતું અને જામીન પર મુક્ત થતાં પહેલાં 27 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.”
CBIના ક્લોઝર રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
સુશાંત સિંહના મૃત્યુના લગભગ પાંચ વર્ષ પછી દાખલ કરાયેલા CBIના ક્લોઝર રિપોર્ટમાં તેમના મૃત્યુ પાછળ કોઈ પણ પ્રકારનાં કાવતરાની શક્યતાને નકારી કાઢવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિષ્ણાતોના અભિપ્રાય, સ્થળના વિશ્લેષણ, સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક રિપોર્ટ્સના આધારે, CBI એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં આવ્યો હોય તેવા આરોપોને ટેકો આપતી કોઈ સામગ્રી મળી નથી.
રિયા અને તેના પરિવારનાને ક્લીનચીટ:
ક્લોઝર રિપોર્ટમાં રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યોને ક્લીનચીટ આપવામાં આવી હતી, જેમના પર સુશાંતને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો અને પૈસાની ઉચાપત કરવાનો આરોપ હતો. રીપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી કે સુશાંતે પોતાનો જીવ લીધો હતો, તેના પાછળ કોઈ જવાબદાર નથી.
મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવેલા સુશાંતના મૃતદેહ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું તારણ નીકળ્યું હતું કે તેનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું હતું.
CBIએ આપેલા મેડીકો-લિગલ રીપોર્ટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ફોરેન્સિક નિષ્ણાતોએ રાજપૂતના મૃત્યુના કિસ્સામાં કરવામાં આવેલા “ઝેર આપવા અને ગળું દબાવવા”ના દાવાઓને પણ ફગાવી દીધા.
CBIને ક્લોઝર રિપોર્ટને કારણે સુશાંતના મૃત્યુની આસપાસના પાંચ વર્ષથી ચાલી રહેલી કોન્સ્પિરસી થિયરીઝનો છેદ ઉડી ગયો છે.
CBIએ બે રીપોર્ટ દાખલ કર્યા:
અધિકારીઓએ જણાવ્યું હતું કે CBIએ સુશાંતના મૃત્યુ સંબંધિત બે અલગ-અલગ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યા હતા, એક કેસ સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલો આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ હતો, અને બીજો રિયા ચક્રવર્તી દ્વારા સુશાંતના બહેનો સામેનો કેસ હતો.
સુશાંતના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદનો ક્લોઝર રિપોર્ટ બિહારના પટનાની એક સ્પેશીયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે રિયા ચક્રવર્તીએ દાખલ કેરલા કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈની એક સ્પેશીયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટ હવે નિર્ણય લેશે કે રિપોર્ટ સ્વીકારવો કે એજન્સી દ્વારા કેસોની વધુ તપાસનો આદેશ આપવો.
પાંચ વર્ષ પહેલા બન્યો હતો બનાવ:
18 જૂન, 2020 ના રોજ સુશાંતનો મૃતદેહ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને કારણે બોલિવૂડ ઉપરાંત સમગ્ર દેશના ખળભળાટ મચી ગયો હતો, મહિનાઓ સુધી સુશાંતના મૃત્યુ અંગે શંકા-કુશંકાઓ ચાલી, નેશનલ મીડિયા પર રિયાની સંડોવણી અંગે ડિબેટ્સ ચાલી.
સુશાંતના મૃત્યુના સંદર્ભમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો..ધનંજય મુંડેની તપાસ આવશ્યક નથી: ફડણવીસ…
[આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.મદદ માટે કોલ કરો:
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]