વિરારમાં કૉલેજ પ્રોફેસરની હત્યા મામલે 22 વર્ષના આરોપીની અટક
મુંબઈ: મલાડની કૉલેજના એક પ્રોફેસરની હત્યા કરવા બદલ એક 22 વર્ષના આરોપીની પોલીસે અટક કરી હતી. આ મામલે પોલીસે કહ્યું હતું કે આ બંનેની સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. વિરાર ખાતે 21 જાન્યુઆરીએ પ્રોફેસરના ઘરે આ ઘટના બની હતી. આરોપીએ કૉલેજના પ્રોફેસર પાસેથી પૈસાની માગણી કરી હતી પણ પ્રોફેસરે પૈસા આપવા મનાઈ કરતાં આરોપીએ પ્રોફેસરને મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ કેસમાં શરૂઆતની તપાસમાં પોલીસ ટીમે આપઘાતની શંકા વ્યક્ત કરી હતી જોકે આ મામલે વધુ તપાસ કરતાં ગયા અઠવાડિયે આ પ્રોફેસરનું પ્રમોશન થયું હોવાની વાત સામે આવી હતી. જેથી આ પ્રોફેસર આપઘાત ન કરે એ વાતને માની પોલીસે વધુ તપાસ કરતાં તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
પ્રોફેસર ડૉ નાગેશ્વર સેનિગારાપૂ મલાડની કૉલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેઓ વિરારના એક ફ્લેટમાં એકલા જ રહેતા હતા. સોમવારે પૈસા લેવા માટે આરોપીએ પ્રોફેસરને ફોન કર્યો હતો જોકે પ્રોફેસરે કોઈ જવાબ ન આપતા આરોપી પ્રોફેસરના ઘરે પહોંચ્યો હતો. આ જ ફેલ્ટમાં પ્રોફેસરનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મૃતદેહને બંને કાંડા પર ઘા કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે આપઘાતનો ગુનો દાખલ કર્યો હતો. પ્રોફેસરના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલવામાં આવતા આપઘાત કર્યા હોવાની શંકા પોલીસને હતી, પણ પ્રોફેસરનો મોબાઇલ ફોન ગાયબ હોવાથી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઓટોપ્સી રિપોર્ટમાં પ્રોફેસરના એક કાંડામાં ઘા ઊંડો હતો અને બીજા કાંડામાં ઘા આટલો ઊંડો ન હોવાથી આ આપઘાત હોય એવું જણાવવામાં આવ્યું હતું.
પોલીસે પ્રોફેસરના ફોન અને સોસાયટીના સીસીટીવી કૅમેરાની તપાસ કરતાં 21 જાન્યુઆરીએ સાંજે 7.30 વાગ્યે એક અજાણી વ્યક્તિ બિલ્ડિંગમાં આવી હોવાની જાણ થઈ હતી. આ અજાણી વ્યક્તિ થોડા સમય બાદ સોસાયટીમાંથી બહાર જતાં પણ દેખાઈ હતી, પણ આ વ્યક્તિની ઓળખ થઈ નહોતી. જેથી પોલીસે પ્રોફેસરના ફોન રેકોર્ડ તપાસતા અલ્ફરન ખાન નામની એક વ્યક્તિએ સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે અલ્ફરન ખાનને ઓશિવરાથી ધરપકડ કરી હતી, અને તેણે પ્રોફેસર ડૉ નાગેશ્વર સેનિગારાપૂની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપી અલ્ફરન ખાન ફિલ્મ અને ટીવીમાં કામની શોધમાં હતો. એક વર્ષ પહેલા તેની પ્રોફેસરથી ઓળખ થઈ હતી. એક દિવસ પ્રોફેસરે આરોપીએ તેના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ પ્રોફેસર પાસે પૈસા માગ્યા હતા પણ તેને પૈસા ન મળતા ગુસ્સે ભરાયેલા આરોપીએ પ્રોફેસરના કાંડા પર ચાકુના ઘા કરી પ્રોફેસરનો મોબાઇલ લઈને ભાગી છૂટ્યો હતો, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.