સુરતથી પકડાયેલો આરોપી કલ્યાણ નજીક ટ્રેનમાંથી કૂદી નાસી ગયો

થાણે: આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ગુજરાતના સુરત શહેરમાંથી પકડાયેલો આરોપી કલ્યાણ નજીક પોલીસને હાથતાળી આપી ચાલુ ટ્રેને કૂદીને ફરાર થઈ ગયો હતો.
કર્જત જીઆરપીના સિનિયર ઈન્સ્પેક્ટર તાનાજી ખાડેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની સાંજે કલ્યાણ રેલવે સ્ટેશન નજીક બની હતી. તેલંગણા પોલીસ સુરતથી આરોપીને ટ્રેનમાં તેલંગણા લઈ જઈ રહી હતી ત્યારે આરોપી રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીને તેલંગણાની એક મહિલા સાથે સંબંધ હતા, પરંતુ બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ વાતથી કંટાળેલી મહિલા ડિપ્રેશનમાં સરી પડી હતી. માનસિત રીતે હતાશ મહિલાએ આત્મહત્યા કરી હતી.
આપણ વાચો: ગેન્ગસ્ટરની પત્નીને ધમકી આપવા બદલ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર
મહિલાના મૃત્યુને પગલે તેલંગણા પોલીસે આરોપી વિરુદ્ધ મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો હતો. ઘટના બાદ આરોપી તેલંગણાથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.
આરોપી ગુજરાતના સુરત શહેરમાં સંતાયો હોવાની માહિતી તેલંગણા પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી અને આરોપીને તાબામાં લીધો હતો. તેને ટ્રેનમાં તેલંગણા લઈ જવામાં આવતો હતો.
ટ્રેન કલ્યાણ સ્ટેશનેથી ઊપડી ત્યારે આરોપીએ ટૉઈલેટ જવાનું બહાનું કર્યું હતું. ટ્રેનના દરવાજે પહોંચ્યા પછી આરોપી ચાલતી ટ્રેનમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો.
આ પ્રકરણે કલ્યાણ જીઆરપીએ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 હેઠળ ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)



