સુપ્રિયા સુળેએ ભાઈ અજિત પવારના મંત્રાલયમાં ફરિયાદ કરી, મામલો પહોંચ્યો દેવેન્દ્ર ફડણવીસ પાસે

મુંબઈ: મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારના સાથે આવવાની અટકળો ચાલી રહી છે ત્યારે બારામતીના સાંસદ સુપ્રિયા સુળેએ પોતાના ભાઈના ખાતાની ફરિયાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરી હોવાથી રાજકીય નિરીક્ષકો ગુંચવાઈ ગયા છે.
એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અંગે ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘સારથી’ નામની સંસ્થા દ્વારા મરાઠા સમુદાયના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે નાણાં ખાતા તરફથી ગ્રાન્ટ સમયસર ન મળવાને કારણે તેમને આ શિષ્યવૃત્તિ સમયસર મળતી નથી.’
તેમણે એમ પણ કહ્યું હતું કે, શિક્ષણના દૃષ્ટિકોણથી શિષ્યવૃત્તિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે સમયસર મળવી જોઈએ. હું મુખ્ય પ્રધાનને વિનંતી કરું છું કે કૃપા કરીને વિદ્યાર્થીઓની વાત સાંભળો અને તેમને આ શિષ્યવૃત્તિ સમયસર મળે તે માટે યોગ્ય પગલાં લો.
અજિત પવાર નાણા મંત્રાલય સંભાળે છે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા અને સુપ્રિયાના પિતરાઈ ભાઈ અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન પણ છે. સુપ્રિયા સુળેએ તેમની પોસ્ટમાં મુખ્ય પ્રધાન ફડણવીસ અને તેમના ભાઈ અજિત પવારને પણ ટેગ કર્યા છે.
તમને જણાવી દઈએ કે અત્યારે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારના એકસાથે આવવાની અટકળો ચાલી રહી છે. હકીકતમાં, બંને નેતાઓ તાજેતરના સમયમાં ઘણા પ્લેટફોર્મ પર એકસાથે જોવા મળ્યા હતા.
શરદ પવારે ભેગા થવા વિશે શું કહ્યું?
જ્યારે શરદ પવારને સાથે આવવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે જો બંને એનસીપીના જૂથો એકસાથે આવે તો કોઈ નવાઈ લાગશે નહીં. એનસીપી (એસપી)નો એક જૂથ અજિત પવાર સાથે જોડાવા માગે છે. આ અંગેનો અંતિમ નિર્ણય આગામી પેઢીનું નેતૃત્વ (સુપ્રિયા સુળે અને અજિત પવાર)એ લેવાનો રહેશે.
અજિત પવારે જુલાઈ 2023માં કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો અને એનસીપીના ઘણા વિધાનસભ્યો સાથે મહાયુતિ સરકારમાં જોડાઈ ગયા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. જ્યાં ચૂંટણી પંચે અજિત પવારની એનસીપીને વાસ્તવિક તરીકે માન્યતા આપી અને અજિત પવારને ચૂંટણી ચિહ્ન અને નામ સોંપ્યું હતું. શરદ પવારના જૂથને એક નવું નામ અને પ્રતીક મળ્યું હતું.
આ પણ વાંચો….પવાર સાહેબ બોલે પછી હું શું કહું: સુપ્રિયા સુળે…