‘યુનિફોર્મ પહેરો ત્યારે ધર્મ અને જાતી ભૂલી જાઓ’; સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આપ્યો ઠપકો

નવી દિલ્હી: મહારાષ્ટ્રના અકોલામાં વર્ષ 2023માં થયેલા કોમી રમખાણો (Akol communal riots) સાથે સંકળાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ(Supreme court)એ મહત્વની ટીપ્પણી કરી હતી. ગઈ કાલે ગુરુવારે કોર્ટે કહ્યું કે જ્યારે પોલીસ અધિકારીઓ યુનિફોર્મ પહેરે છે, ત્યારે તેમણે પોતાના વ્યક્તિગત અને ધાર્મિક વલણ અને પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે અકોલામાં 2023માં થયેલા કોમી રમખાણો દરમિયાન થયેલી હત્યા કેસની તપાસ માટે એક સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અધિકારીઓને સમાવવા આદેશ કરવામાં આવ્યો. હત્યા સાક્ષીના નિવેદનની તપાસ ન કરવા બદલ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને ઠપકો પણ આપ્યો.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, “કહેવાની જરૂર નથી, પણ જ્યારે પોલીસકર્મી પોતાનો યુનિફોર્મ પહેરે છે, ત્યારે તેમણે પોતાની ધાર્મિક, વંશીય, જાતિવાદી કે અન્ય કોઈપણ પ્રકારના વ્યક્તિગત વલણો અને પૂર્વગ્રહોનો ત્યાગ કરવાનો હોય છે. તેમણે પદ અને યુનિફોર્મ સાથે જોડાયેલી ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે ફરજો નિભાવવી જોઈએ. કમનસીબે, આ કેસમાં એવું ન બન્યું.”
શું છે મામલો?
કોમી રમખાણો દરમિયાન એક ઓટો ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી, સાક્ષી મોહમ્મદ અફઝલે દાવો કર્યો હતો કે તે હત્યામાં સામેલ એક શખ્સને ઓળખી શકે છે. તેણે દાવો કર્યો કે ઓટો ડ્રાઈવરને મુસ્લિમ સમજીને તેની હત્યા કરવામાં આવી.
બીજી તરફ, મહારાષ્ટ્ર પોલીસે દલીલ કરી હતી કે મોહમ્મદ અફઝલનો પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો સાબિત થઇ શક્યો નથી.
સુપ્રીમ કોર્ટે ફરજોમાં બેદરકારી દાખવતા તમામ પોલીસ અધિકારીઓ સામે યોગ્ય શિસ્તભંગના પગલાં સચિવને નિર્દેશ કર્યો. બેન્ચે કહ્યું કે SITએ તપાસ અહેવાલ ત્રણ મહિનાની અંદર આ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
આપણ વાંચો: પુણેમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક સરઘસમાં ઘૂસી: યુવકનું મૃત્યુ, છ ઘવાયા