આમચી મુંબઈ

‘મહાકુંભ’ અંગે સુનિલ રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું એટલે મેં ડૂબકી નહીં લગાવી…

મુંબઈ: પ્રયાગરાજમાં ચાલી રહેલા ઐતિહાસિક મહાકુંભ ઉત્સવની વિશ્વભરમાં સરાહના થઇ રહી છે. પણ આ પ્રસંગે પણ વિપક્ષો સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસો સતત કર્યા કરે છે. આમ કરવામાં વિપક્ષી નેતાઓ સનાતન વિરોધી બફાટ કરવામાં પણ ક્ષોભ અનુભવતા નથી. તેનું તાજું ઉદાહરણ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના વિધાનસભ્ય અને સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત છે.

સુનીલ રાઉતે મુંબઈના તેમના મતવિસ્તાર વિક્રોલીમાં મિસળ-પાવ ફૂડ ફેસ્ટિવલમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ સવારે જ પ્રયાગરાજથી મુંબઈ પરત આવ્યા છે. તેમણે કહ્યું હતું કે પ્રયાગરાજમાં બે દિવસ કુંભની મજા માણી હતી. હું જોતો હતો કે લોકો કેટલા પાપ ધોઈ રહ્યા છે. લોકોના પાપ ધોતા ધોતા લાગ્યું કે તેમના પાપ મારા શરીરે ચિપકી જાય નહીં, તેથી મેં ડૂબકી લગાવી નહોતી.

સુનિલ રાઉતે આપેલા નિવેદનને કારણે વિવાદનું નિર્માણ થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, મુકેશ અંબાણી સહિત દેશની અનેક જાણીતા રાજનૈતિક, ફિલ્મી, અને સામાજિક હસ્તીઓએ મહાકુંભમાં ભાગ લીધો છે. વિપક્ષ ઇન્ડિ ગઠબંધનના કેટલાય નેતાઓએ પણ ડૂબકી લગાવી છે. તેમના આ વિધાન પછી રાજકારણ ગરમાયુ છે.

આપણ વાંચો: કેજરીવાલના પરાજયથી હજારે ખુશ, મોદી સરકાર સામેના આક્ષેપો અંગે ચુપ: સંજય રાઉત

સૌથી પહેલી પ્રતિક્રિયામાં એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ રાઉતના નિવેદન પર પ્રહારો કર્યા છે. પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય મનીષા કાયંદેએ કહ્યું હતું કે અમે ઉદ્ધવ ઠાકરે પાસેથી શું અપેક્ષા રાખી શકીએ જેમની શિવસેના કોંગ્રેસી થઈ ગઈ છે. જો બાળાસાહેબ ઠાકરે હોત તો સુનીલ રાઉતને માર્યા હોત.”

તેમણે આગળ કહ્યું હતું કે વિપક્ષમાંથી અખિલેશ યાદવ, દિગ્વિજય સિંહ, રોહિત પવાર જેવા ઇન્ડિ ગઠબંધનના નેતાઓ પણ કુંભમાં ગયા હતા. શું સુનીલ રાઉત તેમને પણ પાપી કહેશે? ઉદ્ધવના ધારાસભ્યએ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેની સામે કેસ નોંધવો જોઈએ. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button