મુંબઈમાં નોંધાયો આટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ, આટલી કંપનીને નોટિસ
મુંબઈઃ શહેરમાં હવાની ગુણવત્તા નિરંતર ખરાબ થઈ રહી છે, જેમાં આજે મુંબઈમાં એર ક્વાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૧૬૮ નોંધાયો હતો. શહેરમાં ચાલી રહેલા બાંધકામને કારણે પ્રદૂષણ (હવામાં ધૂળના રજકણો)ને અંકુશમાં લાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા મુંબઈમાં પાંચ જગ્યાએ એર પ્યુરિફાયર બેસાડવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં વધતાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા અને હવાની ગુણવત્તા સાફ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મલાડ વિસ્તારમાં ૯૭ જગ્યાએ ખાનગી અને ૨૭ જગ્યાએ સરકારી પ્રોજેક્ટ એમ કુલ મળીને ૧૨૪ સ્થળે બાંધકામ ચાલી રહ્યું છે. આ દરેક બિલ્ડર અને કોન્ટ્રેકટરને નોટિસ પાઠવી છે, જે સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા ૧૦૦ કરતાં વધુ કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ કંપનીઓને હવાની ગુણવત્તા સુધારવા (ધૂળ/રજકણો ઘટાડવાના ધોરણો)નું પાલન ન કરવા બદ્દલ નોટિસ ફટકારવામાં આવી છે. પ્રદૂષણના નિયમોનું પાલન નહીં આવે તો તે બિલ્ડર અને કોન્ટ્રેકટર સામે કડક કાર્યવાહી કરવા બીએમસી દ્વારા જણાવ્યું છે.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈમાં હવાની નબળી ગુણવત્તા સામે લડવાના તેમના સતત પ્રયાસ ચાલી રહ્યા છે. પાલિકા શહેરની એક્યુઆઇ સુધારવા દ્વારા મોટા ભાગે પશ્ચિમ મુંબઈના પી નોર્થ વોર્ડમાં, મલાડ ઉપનગરમાં કોન્ટ્રાક્ટર અને રિયલ એસ્ટેટ કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે.