
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે ફ્લાઇટ ટિકિટ બુકિંગ છેતરપિંડીના કેસમાં ટ્રાવેલ કંપનીના માલિક સામે ટ્રાવેલ સબ-એજન્ટ અને અને 250 વિદ્યાર્થી સાથે 15.37 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
આરોપી કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં ટ્રાવેલ કંપની ચલાવતો હતો. ખડકપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં ફરિયાદી સબ-એજન્ટે આરોપીને મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં આવેલી એક એન્જિનિયરિંગ કોલેજના 500 વિદ્યાર્થીઓ માટે ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. બધા વિદ્યાર્થીઓ દિલ્હી જવાના હતા. આરોપીએ બેચમાં ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા માટે કુલ 29,78,500 રૂપિયા વસૂલ્યા હતા.
શરૂઆતમાં આરોપીએ 250 વિદ્યાર્થીઓની પ્રથમ બેચને ટિકિટ આપી હતી. જેનાથી ફરિયાદી અને કોલેજ સત્તાવાળાઓનો તેના ઉપર વિશ્વાસ બેઠો હતો. જોકે, બાકીના 250 વિદ્યાર્થીઓને કોઈ ટિકિટ આપવામાં આવી નહોતી.
ટિકિટ કે રિફંડ માટે અનેક રિમાઇન્ડર્સ અને ફોલો-અપ્સ છતાં, આરોપીએ કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે આ છેતરપિંડી છેલ્લા 10 મહિનામાં થઈ છે.
આપણ વાંચો: વિદેશમાં નોકરીને બહાને 22 લાખની છેતરપિંડી: એજન્ટ સામે ગુનો
અધિકારીએ જણાવ્યું હતું કે બુકિંગની બીજી બેચના વિદ્યાર્થીઓનું 15,37,500 રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ સબ-એજન્ટે પોલીસનો સંપર્ક કર્યો હતો.
હાલમાં કલ્યાણ સ્થિત ટ્રાવેલ કંપનીના માલિક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 318(4) (છેતરપિંડી),અને કલમ 316(2) (વિશ્વાસનો ગુનાહિત ભંગ) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.