વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી:

ભડકેલા લોકોએ શિક્ષકને ઢોરમાર માર્યો, સરઘસ કાઢી પોલીસને હવાલે કર્યો
પાલઘર: વિરારમાં કોચિંગ ક્લાસમાં ભણવા જનારી 13 વર્ષની વિદ્યાર્થિનીની ત્યાં જ શિક્ષકે જાતીય સતામણી કરવામાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ શિક્ષકરને ઢોરમાર માર્યો હતો અને સરઘસ કાઢ્યા બાદ તેને પોલીસને હવાલે કર્યો હતો.
વિરાર પૂર્વના મનવેલપાડા વિસ્તારમાં બુધવારે સવારે આ ઘટના બની હતી. અહીંના સહ્યાધ્રિ નગર ખાતે પ્રમોદ મોર્યા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવે છે, જ્યાં સાતમા ધોરણની 13 વર્ષની વિદ્યાર્થિની ભણવા આવતી હતી. શિક્ષક પ્રમોદ મોર્યા એક સપ્તાહથી વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતો હતો. આથી ગભરાઇને વિદ્યાર્થિની બે દિવસથી ક્લાસમાં જતી નહોતી. માતા-પિતાએ તેને આ અંગે પૂછતાં તેણે તમામ હકીકત જણાવી હતી.
આ પણ વાંચો: માનસિક અસ્થિર સગીરાની જાતીય સતામણી: યુવકની ધરપકડ
દરમિયાન વિદ્યાર્થિની પરિવારજનો તથા એ વિસ્તારના લોકો બુધવારે સવારે કોચિંગ ક્લાસમાં ગયા હતા અને તેમણે પ્રમોદ મોર્યાને ઢોરમાર માર્યો હતો અને ભરરસ્તે તેનું સરઘસ કાઢ્યું હતું. બાદમાં તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. લોકોએ કરેલી મારપીટમાં મોર્યાને ગંભીર ઇજા પહોંચી પહોંચી હતી.
સ્થાનિક મહિલાએ આરોપ કર્યો હતો કે શિક્ષક મોર્યાએ અગાઉ પણ ત્રણથી ચાર વિદ્યાર્થિની સાથે આવું કર્યું હતું. જોકે ડરના માર્યા તેમણે ફરિયાદ કરી નહોતી. આ અંગે તપાસ કરવી જોઇએ અને આરોપીને આકરી શિક્ષા થવી જોઇએ, એવી માગણી તેણે કરી હતી.
વિરાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિકોએ આરોપીને અમારા હવાલે કર્યો છે. તેણે વિદ્યાર્થિની જાતીય સતામણી કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થિનીનું નિવેદન નોંધી અમે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.