પ્રદૂષણ નિયંત્રણ માટે એસટીની નવતર પહેલઃ હવે પાલઘરમાં એલએનજી બસ દોડાવાશે
મુંબઈઃ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બોર્ડે પહેલ કરી છે અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) પર તેની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. પહેલા તબક્કામાં પાલઘરમાં ૩૦૦ બસ એલએનજી પર દોડશે. પ્રાયોગિક ધોરણે પાંચ બસ એલએનજીમાં રૂપાંતરિત કરવા માટે મોકલવામાં આવી છે.
પાલઘરમાં, વસઈ, અર્નાલા, નાલાસોપારા, બોઈસર, દહાણુ, સફાલે, જવ્હાર, પાલઘર એમ કોર્પોરેશનના આ આઠ ડેપો છે, જ્યાંથી ગ્રામીણ, શહેરી અને અન્ય લાંબા અને મધ્યમ અંતરની બસો છોડવામાં આવે છે. તમામ ડેપોમાં કુલ ૪૩૫ એસટી બસો છે. ડીઝલ પર ચાલતી આ બસો દરરોજ સામાન્ય રીતે ૨૫ હજાર લિટર (૨૨-૨૩ લાખ) કરતાં વધુ ડીઝલ વાપરે છે.
બીજી તરફ ઘણી કાર જૂની હોવાથી તે મોટા પ્રમાણમાં ધુમાડો બહાર કાઢે છે, જે પ્રદૂષણનું કારણ બને છે. આ પ્રદૂષણ ઘટાડવા બસોને એલએનજીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ કંટ્રોલર રાજેન્દ્ર જગતાપે કહ્યું હતું કે ડીઝલને બદલે એલએનજી ઇંધણનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડવામાં અને ઇંધણના ખર્ચમાં બચત કરવામાં મદદ કરશે.
પ્રદૂષણમાં થઈ રહેલા વધારાને કારણે કેન્દ્ર સરકારે પણ ડીઝલ પરની નિભર્રતા ઘટાડવાનો નિર્ણય લીધો છે, તેનાથી ઇંધણના વપરાશમાં પણ અંકુશ આવશે. આ ઉપરાંત, ડીઝલના બદલે અન્ય ઈંધણનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થવાથી લોકોને રાહત થઈ શકે છે. ડીઝલના બદલે સરકાર ઈલેક્ટ્રિક બસનો વપરાશ પણ વધાર્યો છે, જેમાં નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.