પાંચમા ધોરણ સુધીના વર્ગો સવારે 9 વાગ્યા પછી રાખવા માટે શિક્ષક-વાલીઓનો તીવ્ર વિરોધ
મુંબઈ: રાજકીય નેતાઓ પ્રચારના રણમેદાનમાં વ્યસ્ત છે. તેઓએ વિદ્યાર્થીઓનાં ભવિષ્યથી રમત રમવી ન જોઇએ. છોકરાઓને શાળામાં કયા સમયે મોકલવા એ નિર્ણય સરકારના શિક્ષણ વિભાગે વાલીઓ પર લાદવા કરતાં સ્કૂલનો સમય શિક્ષક અને વાલી સંગઠનને નક્કી કરવા દો. સ્કૂલ મોડી શરૂ કરવાનો ફટકો તમામ લોકોને પડશે, શું તેની જાણ સરકારને છે, એવો રોષ ઠાલવીને વાલી સંગઠને શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો હતો.
શિક્ષક અને વાલી એમ બંનેનો પાંચમા ધોરણ સુધીના ક્લાસ સવારે નવ વાગ્યા બાદ લેવામાં આવે તેનો વિરોધ છે. હાલમાં રાજ્યમાં સ્કૂલ જૂના ટાઈમટેબલ અનુસાર ચાલી રહી છે, પણ જૂનથી સવારે નવ વાગ્યા બાદ પાંચમા ધોરણ સુધીના ક્લાસ લેવામાં આવે એવો આદેશ શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે. જો જબરદસ્તી કરવામાં આવશે તો સ્કૂલ અને વાલીઓ દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવશે, એવું વાલી સંગઠને જણાવ્યું હતું.
સ્કૂલની ફીથી લઇને સમય, યુનિફોર્મ અંગેનો નિર્ણય લેતા સમયે ‘શિક્ષક-વાલી સંઘ’ (પીટીએ) એ કાયદાના અસ્તિત્વમાં રાખવામાં આવેલી વ્યવસ્થા છે. જોકે તેને નેવે મૂકવામાં આવે છે અને સ્કૂલ પર સમયની ફરજ પાડવામાં આવે છે. આને કારણે અનેક શાળા વાલી-શિક્ષકોના મત લઇ રહ્યા છે.
પ્રિ-પ્રાઈમરી અને પ્રાઈમરીથી ચોથા ધોરણ સુધીના વિદ્યાર્થી એક જ સમયે બેસી શકે એટલા ક્લાસ પૂરતી સંખ્યામાં નથી. આને કારણે નવ વાગ્યા બાદ એક જ સેશનમાં તમામ પ્રાઈમરી ક્લાસ લેવા એ શક્ય નથી, એવું પવઈની એક સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું. મોટા ભાગના વાલીઓએ તો સમયમાં ફેરફાર કરવાનો વિરોધ કર્યો જ છે, સાથે સાથે શિક્ષકોએ પણ આ માટે વિરોધ નોંધાવ્યો છે.
૨૦૧૧ના ફી કંટ્રોલ એક્ટે ‘પીટીએ’ને વ્યાપક અધિકાર આપ્યો છે. તેમાં ફીને નક્કી કરવાથી લઇને નાની-મોટી બાબતો અંગે નિર્ણય લેવાનો અધિકાર પીટીએને આપવામાં આવ્યો છે. સ્કૂલનો સમય નક્કી કરવાનો નિર્ણય પણ પીટીએ સાથે વિચારવિમર્શ કર્યા બાદ લેવો જોઇએ. પણ પીટીએના અધિકારને નેવે મૂકીને રાજ્ય સરકાર સમય અંગે નિર્ણય સ્કૂલના માથે ઠોકી બેસાડે છે.
સ્કૂલ, શિક્ષક અને વાલીઓ પર આવાં બંધન નાખવાં યોગ્ય નથી, એવું સંગઠનના સભ્યએ જણાવ્યું હતું.
પ્રાઈમરીના ક્લાસ એક જ સમયે લેવામાં આવે એવી પાયાભૂત સુવિધા ન હોવાને કારણે બે સેશનમાં ચલાવનારી અનેક સ્કૂલોએ નવી નીતિ માટે વિરોધ કર્યો છે. જોકે વાલીઓને તેમની સગવડ અનુસાર સવાર કે પછી બપોરનો સમય પસંદ આવતો હોઇ તેઓને પણ બપોરના એક સેશનનો વિકલ્પ પસંદ નહીં પડે.