સ્કૂલથી પરત ફરતી છોકરી પર રખડતા શ્વાનનો હુમલો: સ્થાનિકોમાં રોષ

રખડતાં શ્વાન દ્વારા રાહદારીઓ પર હુમલો કરવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. એકલદોકલ કૂતરાને બદલે તેમનું આખું ઝુંડ પણ ઘણીવાર હુમલો કરતું હોય છે. કોઈ અગમ્ય કારણોસર શ્વાન અથવા પૂરા ઝુંડ દ્વારા પ્રાણઘાતક ઈજાઓ પહોંચાડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. મુંબઈમાં ફરી એકવાર આવી એક ગંભીર ઘટના ઘટી છે. આ ઘટનામાં શાળાએથી એકલી ઘરે પરત ફરી રહેલી એક માસૂમ બાળકી પર અચાનક રખડતા રખડતા શ્વાને હુમલો કર્યો હતો.
જ્યારે છોકરી શાળાએથી એકલી તેના ઘર તરફ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં કેટલાક રખડતા શ્વાને તેનો પીછો કરવાનું શરૂ કર્યું અને તેના પર હુમલો કર્યો. છોકરી ડરથી જોરથી ચીસો પાડવા લાગી હતી અને તેની ચીસો સાંભળીને નજીકમાં હાજર કેટલાક સ્થાનિક લોકો તરત જ તેની મદદ માટે દોડી ગયા અને કોઈક રીતે તેને ભગાડીને છોકરીને બચાવી લીધી.
આ પણ વાંચો: ટિટવાલામાં વૃદ્ધા પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો…
આ હુમલામાં છોકરીને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ સમયસર મદદ મળવાને કારણે તેનો જીવ બચી ગયો. આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કૂતરાઓનું ટોળું અચાનક છોકરીની નજીક આવ્યું અને તેના પર હુમલો કર્યો.
સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાને ઘણી વખત ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના બાદ લોકો ગુસ્સે ભરાયા છે અને વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે રખડતા કૂતરાઓને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.