પાલતું શ્વાનને લિફ્ટમાં લઇ જતા રોકવામાં આવતા માલિકે સોસાયટી સામે હાઇકોર્ટમાં દાવો માંડ્યો

મુંબઈ: પાલતું પ્રાણીઓને કારણે સોસાયટીમાં ઘર્ષણના ઘણા મામલા પ્રકાશમાં આવતા હોય છે, સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલતી રહે છે. એવામાં મુંબઈના લોઅર પરેલ રહેતા 51 વર્ષીય ઉદ્યોગપતિએ તેમના પાલતું શ્વાન માટે બિલ્ડિંગની મેનેજિંગ કમિટી સામે કોર્ટ કેસ માંડ્યો છે. બિલ્ડિંગની મેનેજિંગ કમિટીએ તેમના અંધ શ્વાન ઓઝીને લિફ્ટમાં લઇ જવાની મનાઈ ફરમાવી હતી. પાલતુ પ્રાણીઓના અધિકારોના બચાવમાં ઉદ્યોગપતિએ બોમ્બે હાઇકોર્ટ જાહેર હિતની અરજી (Mumbai Pet Dog owner files case) દાખલ કરી છે.
આશિષ ગોયલ ગણપતરાવ કદમ માર્ગ પર આવેલી મેરેથોન એરા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની એરા-2 બિલ્ડીંગમાં 22મા માળે રહે છે. આ સોસાયટીમાં 36 માળના ચાર ટાવર છે જેમાં કુલ 229 ફ્લેટ છે. ચારેય ટાવર એકબીજા સાથે જોડાયેલા છે અને કોમન એક્સેસ, કોમન એરિયા અને લોબી, લિફ્ટ, પાર્કિંગ, ગાર્ડન, જીમ વગેરે જેવી કોમન સુવિધાઓ છે.
સોસાયટીમાં એકથી છ નંબરની છ કોમન લિફ્ટ છે. આમાંથી લિફ્ટ નંબર 1,2 અને 3 ફક્ત સોસાયટીના સભ્યો, ભાડૂઆતો અને મહેમાનોના ઉપયોગ માટે છે. કામદારો, સર્વિસ પ્રોવાઈડરસ અને સોસાયટીના કર્મચારીઓને આ લિફ્ટનો ઉપયોગ કરવાની મનાઈ છે, તેઓ લિફ્ટ નંબર 4,5 અને 6 નો ઉપયોગ કરી શકે છે.
સોસાયટીનો દાવો:
14 જાન્યુઆરી, 2024 ના રોજ, સોસાયટીના એક સભ્યએ આશિષ ગોયલને લિફ્ટનો ઉપયોગ કરતા અટકાવ્યા, કારણ કે તેમની સાથે તેમનો પાલતુ શ્વાન ઓઝી હતો. સોસાયટીના સભ્યએ કહ્યું કે આશિષ ગોયલ સોસાયટીના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઘટનાથી નારાજ થઈને, આશિષ ગોયલે સોસાયટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચો: બિલાડીની વધતી સંખ્યા પર નિયંત્રણ લાવવા પાલિકાનું સર્વેક્ષણ…
દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે “તે જ રાત્રે 260 રહેવાસીઓના વોટ્સએપ ગ્રુપમાં ખોટો દાવો કરવામાં આવ્યો કે એવા નિયમો છે જે પાલતુ પ્રાણીઓ ધરાવતા સભ્યોને ચોક્કસ લિફ્ટનો ઉપયોગ કરવાની મનાઈ કરે છે. તેઓએ ખોટો પ્રચાર પણ કર્યો હતો કે અરજદારે સોસાયટીના નિયમો તોડ્યા ઉપરાંત પોલીસનો સંપર્ક પણ કર્યો છે. મેનેજિંગ કમિટીના ત્રણ સભ્યો સહિત ડઝનબંધ સોસાયટી સભ્યોએ આ ખોટા દાવાઓને ટેકો આપ્યો હતો….અને અરજદાર અને પાલતુ પ્રાણીઓના માલિકો સામે સોસાયટીને ઉશ્કેરી હતી.”
24 ફેબ્રુઆરી, 2024 ના રોજ આશિષ ગોયલે “સમાજમાં પાલતુ પ્રાણીઓના માલિકો સામે પ્રતિકૂળ વાતાવરણ” અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. બીજા દિવસે 25 ફેબ્રુઆરી, 2024ના રોજ કમિટી દ્વારા “મેરેથોન એરા સીએચએસના રહેવાસીઓ માટે પાલતુ પ્રાણીઓ અંગે પોલિસી અને ગાઈડલાઈન્સ”ની નોટિસ જાહેર કરવામાં આવી.
આશિષ ગોયલની કોર્ટમાં અરજી:
આશિષ ગોયલે આરોપ લગાવ્યો છે કે સોસાયટીના નિયમો અને નિર્ધારિત દંડ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું ઘોર ઉલ્લંઘન છે. કોઈપણ પોલિસી દેશના હાલના કાયદાઓનંદ ઉલ્લંઘન કરી શકે નહીં. તેમણે દાવો કર્યું કે સોસાયટીની પોલિસી મહારાષ્ટ્ર સહકારી મંડળીઓ અધિનિયમનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી હતી.
વકિલે જણાવ્યું જણાવ્યું હતું કે પ્રાણીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કાયદા અને નિયમો બનવવામાં આવેલા હોવા છતાં, તેનો બિલકુલ અમલ કરવામાં આવતો નથી. આ PILએ સુનિશ્ચિત કરવા માટે છે કે પ્રાણીઓના અધિકારોનું પાલન થાય.
આ પણ વાંચો: મંગળવારે મુંબઈના આ વિસ્તારમાં અઢી કલાક પાણી બંધ રહેશે
બોમ્બે હાઈકોર્ટ PILની સુનાવણી માટે તૈયારી કરી બતાવી છે, કોર્ટના ચુકાદાથી મુંબઈની અસંખ્ય હાઉસિંગ સોસાયટીઓમાં પ્રાણીઓને લગતી પોલિસીને અસર થઇ શકે છે, જ્યાં પાલતુ પ્રાણીઓ સંબંધિત વિવાદો વધુને વધુ સામાન્ય બની રહ્યા છે.
ઓઝી અને આશિષની દોસ્તી:
ચાર વર્ષ પહેલાં, દિવાળીના દિવસે એક માદા શ્વાને આઠ બચ્ચાં આપ્યા હતા, જેમાં ઓઝી જન્મથી અંધ હતો, જેના કારણે માતાનું દૂધ પણ પી શકતો ન હતો. દ્રષ્ટિ ન હોવાને કારણે તે નજીકમાં આવેલા તળાવમાં પડી ગયો હતો, જો કે હાજર લોકોએ તેને બચાવી લીધો હતો. સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ આશિષ ગોયલે ઓઝીની દુર્દશા વિશે સાંભળ્યું, ત્યારે તેણે તરત જ તેને દત્તક લેવાનું નક્કી કર્યું અને તેને ઘરે લઈ ગયા, ત્યારથી તેમના ઘરે જ રહે છે.