શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ઠગનારા સાયબર ઠગ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરેલી રકમ પર આકર્ષક વળતરની લાલચે નાગરિકો પાસેથી નાણાં પડાવનારી સાયબર ઠગ ટોળકીના ચાર આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા.
સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ જાવેદ અન્સારી (27), રેહાનકૌશર મેહફુઝ અલમ (19), મોહમ્મદ અરફત બાબુ શેખ (20) અને આસિફ શરીફ ખાન તરીકે થઈ હતી. તેમની પાસેથી વિવિધ બૅન્કોમાં ખોલાવવામાં આવેલાં ખાતાંની 13 કિટ, બે લૅપટોપ, છ મોબાઈલ ફોન, આઠ નવાં સિમ કાર્ડ, ક્રેડિ અને ડેબિટ કાર્ડ તેમ જ બનાવટી નામે ખાતાં ખોલાવવા સંબંધી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
મધ્ય મુંબઈમાં રહેતા ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે જૂનથી જુલાઈ, 2025 દરમિયાન ફરિયાદી સાથે 13.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. અધીરા શર્મા નામની યુવતીએ વ્હૉટ્સઍપ પર ફરિયાદી સાથે મિત્રતા કરી હતી અને પછી શૅરબજારમાં રોકાણ કરવા લલચાવ્યો હતો.
ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરી આરોપીએ તેના મોબાઈલ ફોન પર એક લિંક મોકલાવી હતી. એક ટ્રેડિંગ કંપનીના વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ફરિયાદીને એડ કરી તેનું વર્ચ્યુઅલ ટ્રેડિંગ ખાતું બનાવવામાં આવ્યું હતું. બાદમાં એ ખાતા મારફત શૅર્સની લે-વેચ કરી હોવાનું દેખાડી લાખો રૂપિયાનો નફો જમા થયો હોવાનું દર્શાવાયું હતું. બાદમાં ફરિયાદીએ નાણાં કઢાવવાનો પ્રયાસ કરતાં તે નિષ્ફળ ગયો હતો. પરિણામે પોલીસને સંપર્ક સાધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીને ઠગવા માટે ઉપયોગમાં લેવાયેલા બૅન્ક ખાતાનો ઉપયોગ દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર ખાતે રહેતા શખસો દ્વારા કરવામાં આવ્યો હતો. દાણાબજાર સ્થિત એક ઈમારતના ત્રીજા માળે પોલીસની ટીમે રેઇડ કરી ચાર આરોપીને તાબામાં લીધા હતા. આરોપીઓએ ઉપયોગમાં લીધેલાં બૅન્ક ખાતાંઓની વિગતો તપાસતાં મુંબઈ સહિત ગુજરાત, કર્ણાટક, નવી મુંબઈ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને હરિયાણામાં પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…નોકરી ઇચ્છુકોને છેતરીને તેમનાં બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરનારા પકડાયા…