આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કલ્યાણ બેઠક પર શ્રીકાંત શિંદેનો વિજય ધ્વજ લહેરાવવાનું પ્લાનિંગ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ છ નિરિક્ષકોની નિયુક્તિ કરી: ભાજપના નેતાઓનો વિરોધ ખાળવા માટે પણ ઘડી કાઢ્યો વ્યૂહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનો રંગ ધીમે-ધીમે જામતો જાય છે. ત્યારે બીજી તરફ સંભવિત ઉમેદવારો પોતાનો વિજય સુનિશ્ર્ચિત કરવા માટે મહેનત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાની બનેલી કલ્યાણ બેઠક પરથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે ફરી એક વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે તેમની સામે શિવસેના (યુબીટી)ના મહિલા ઉમેદવારનો પડકાર છે.

કલ્યાણની બેઠકનો જંગ જીતવા માટે શિવસેનાના નેતા એકનાથ શિંદે દ્વારા અત્યંત ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. શિવસેના વિરુદ્ધ શિવસેનાના આ જંગમાં ભાજપના કાર્યકર્તાઓના અસંતોષને કારણે બાજી બગડી જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદેએ કલ્યાણની લોકસભા બેઠક પર સોમવારે છ નિરિક્ષકોની નિયુક્તિ કરી હતી.

આપણ વાંચો: કલ્યાણ શ્રીકાંત શિંદેનું: સત્તાવાર રીતે ઉમેદવારી અપાઇ

ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા એવી માગણી કરવામાં આવી રહી છે કે શ્રીકાંત શિંદેએ કમળના નિશાન પર ચૂંટણી લડવી જોઈએ. કારણ કે થાણે ભાજપનો ગઢ હતો અને ભૂતકાળમાં આ બેઠક પર ભાજપના સંસદસભ્યો હતા. ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદેસેનાના સ્થાનિક નેતા મહેશ ગાયકવાડ પર પોલીસ સ્ટેશનની અંદર ગોળીબાર કર્યો ત્યારબાદ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો કથળ્યા હતા. ભાજપના સ્થાનિક નેતાઓ પણ શ્રીકાંત શિંદે દ્વારા અવગણના કરવામાં આવતા હોવાને કારણે નારાજ છે.

ભાજપના સ્થાનિક નેતાઓના વિરોધ છતાં મુખ્ય પ્રધાને આ બેઠક પરથી બે વખત સંસદસભ્ય બનેલા શ્રીકાંત શિંદેને જ ઉમેદવારી આપવાનો નિર્ણય લીધો છે. બે દિવસ પહેલાં તો બંને પક્ષો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો જ્યારે ભાજપના પદાધિકારીઓ અને ગાયકવાડના ટેકેદારોએ એક બેઠક બોલાવીને શ્રીકાંત શિંદે માટે કામ કરવામાં આવશે નહીં એવો ખરડો પસાર કર્યો હતો.

આ મડાગાંઠને ઉકેલવા માટે ભાજપના જ્યેષ્ઠ નેતાઓની મદદ લેવામાં આવી હતી, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
ભાજપના કલ્યાણ એકમના અધ્યક્ષ નાના સૂર્યવંશીએ મંગળવારે કહ્યું હતું કે બધું સરળતાથી પાર પડી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓનું પહેલું લક્ષ્ય મોદીને ત્રીજી ટર્મ માટે વિજય અપાવવાનું છે અને તેને માટે એકેએક બેઠક મહત્ત્વની છે. ભાજપના કાર્યકર્તા પણ શ્રીકાંત શિંદેના વિજય માટે કામ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button