સંજય નિરૂપમ શિંદેની સેનામાં જોડાય તેવા અણસાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી પહેલા જ મહાયુતિએ વિપક્ષના ઘણા બધા દિગ્ગજ નેતા ‘મિશન લોટસ’ અંતર્ગત પોતાના ખેમામાં સમાવી લીધા છે ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ‘મિશન ધનુષ્યબાણ’ શરૂ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે ઉદ્ધવ ઠાકરે જૂથના દિગ્ગજ નેતાઓને પોતાના પક્ષમાં લઇ આવ્યા બાદ મુંબઈ કૉંગ્રેસના પણ એક મોટા ગજાના નેતા શિંદે જૂથમાં સામેલ થવાની તૈયારીમાં હોવાની માહિતી છે.
ઉત્તર મુંબઈ બેઠક ઉપરથી સાંસદ રહી ચૂકેલા સંજય નિરૂપમની પ્રાથમિક સદસ્યતા કૉંગ્રેસે રદ કરી હોવાનો દાવો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુ સંજય નિરૂપમે કૉંગ્રેસે તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે બરખાસ્ત કર્યા એ પહેલા જ પોતે રાજીનામું આપી દીધું હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણીને લઈને કોંગ્રેસના નેતાની સંજય રાઉત પર ટીકા
જોકે, મહત્ત્વની વાત એ છે કે પાછલા બારણે સંજય નિરૂપમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વાટાઘાટો કરી રહ્યા હતા અને તેમના જૂથની શિવસેનામાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યાર બાદ તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું.
સંજય નિરૂપમનો દાવો છે કે પોતે રાજીનામુંં આપ્યું ત્યારબાદ કૉંગ્રેસે તેમને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક સમયથી સંજય નિરુપમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે બેઠકોની વહેંચણી બાબતે કૉંગ્રેસ દ્વારા અપનાવાયેલા અભિગમની ટીકા કરી રહ્યા હતા. દિલ્હીમાં કૉંગ્રેસ હાઇ કમાન્ડ ઉપર ઉપરા ઉપરી પ્રહાર સંજય નિરુપમ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. પક્ષ વિરોધી વલણ અપનાવવા બદલ કૉંગ્રેસે તેમની હકાલપટ્ટી કરી હોવાનું કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, સંજય નિરૂપમે આ વાતને નકારતા પોતે હકાલપટ્ટી પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું કહ્યું છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
જોકે, એકનાથ શિંદેની શિવસેનામાં સંજય નિરુપમની એન્ટ્રી થાય તેવી વાતો ચાલી રહી છે અને જા એમ થાય તો સંજય નિરુપમના કારણે મુંબઈમાં રહેતા ઉત્તર ભારતીયો અને અન્ય ઉત્તરના રાજ્યોના પરપ્રાંતિયોનું સમર્થન એકનાથ શિંદેને મળે અને મહાયુતિની તાકાતમાં વધારો થાય તે વાત ચોક્કસ છે. એક સમયે લોકસભા સાંસદ તેમ જ રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા નિરુપમને પોતાના પક્ષમાં લાવનાનો પ્રયત્ન કરીને શિંદેએ કૉંગ્રેસનો વધુ એક એક્કો પોતાની બાજીમાં સામેલ કર્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.