બોલો…કૉંગ્રેસના કાર્યકર્તાઓને કામ કરવું છે, પણ નેતાઓ આપતા નથી ને…
મુંબઈઃ દેશના સૌથી જૂના અને મજબૂત પક્ષ કૉંગ્રેસે રાજ્યોમાં અને કેન્દ્રમાં સતત હારનો સામનો શા માટે કરવો પડે છે અને પક્ષએ જનતા પાસેથી ફંડ ઉઘરાવવાનો વારો શા માટે આવ્યો તેના ઘણા કારણો છે, જેમાનુ એક કારણ છે કાર્યકર્તાઓની અને પદાધિકારીઓની આલા નેતાઓ દ્વારા સતત અવગણના. આ એક એવો પક્ષ છે જેમાં મંચ પર બેસવા માટે નેતાઓની લાંબી કતાર જોવા મળશે, પણ કાર્યકર્તાઓ આંગળીના વેઢે ગણાય તેટલા હશે.
આ વાત જો ભાજપ કહે તો ન માનીએ પણ ખુદ કૉંગ્રેસના નેતાઓ જ આ ખંત સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. આવતીકાલે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસનો 138મો સ્થાપના દિવસ ઉજવાશે અને સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી તેમ જ પક્ષપ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે સહિતના તમામ નેતાઓની હાજરીમાં લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામાં આવશે ત્યારે તે પહેલા જ મંગળવારે સોશિયલ મીડિયામાં અમુક કાર્યકર્તાએ ફરિયાદો કરી હતી.
ટ્વીટર પર કરવામાં આવેલી મોટા ભાગની ફરિયાદોમાં પક્ષના નેતાઓ કાર્યકર્તાઓને કંઈ કામ ન આપતા હોવાનો અને તેમની નિષ્ક્રિયતા કનડતી હોવાનો વસવસો હતો. આ સાથે કોઈ ગમે તેવી ઉતરતી ભાષામાં સોશિયલ મીડિયા પર પૉસ્ટ મૂકવામાં આવે તો પણ એક નેતા કે પદાધિકારીની વ્હારે બીજા નેતા ન આવતા હોવાની વાત પણ અમુકે કહી હતી. પક્ષના પદાધિકારી યશોમતી ઠાકુરે તેમને શાંત પાડવાની અને તેમની અડચણો દૂર કરવાની ખાતરી આપવી પડી હતી.
એક તરફ નાગપુર ખાતે કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સરકાર પડ્યા પછી કૉંગ્રેસના નેતાઓમાં સોંપો પડી ગયો છે અને બધાએ મૌન ધારણ કર્યું છે.
વિવિધ મુદ્દે કૉંગ્રેસની ભૂમિકા મજબૂતપણે માંડવામાં આવતી નથી. પક્ષ રાજ્યના કાર્યકર્તાઓ સાથે કોઈ સંવાદ સાધતી નથી. એવા કાર્યક્રમો યોજવામાં આવતા નથી જેમા કાર્યકર્તાઓ ભાગ તે અને પ્રજા સુધી કૉંગ્રેસની વાત પહોંચાડે. આ સાથે જો કોઈ પોતાની વાત સ્પષ્ટપણે કહે અને તેની સોશિયલ મીડિયા પર હલકા સ્તરની ટીકા થાય તો પણ નેતાઓ આગળ આવી તેમનું રક્ષણ કરતા નથી કે તેમની માટે અવાજ ઉઠાવતા નથી.
તાજેતરમાં ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા નેતા સુનીલ કેદાર પર કાર્યવાહી કરવામાં આવી ત્યારે કોઈ નેતાએ આંદોલન કરવાનું કે ઊંચા અવાજે વિરોધ કરવાનું જરૂરી ન સમજ્યું. સોશિયલ મીડિયા પર પણ ખાસ કોઈ ઉકળાટ ન દેખાયો અને માત્ર એક પ્રસિદ્ધિપત્ર બહાર પાડી રાજ્યના આગલી હરોળના નેતાઓએ સંતોષ માની લીધો તેવી આલોચના પણ કરવામાં આવી હોવાનું એક અહેવાલ જણાવે છે.
બે-ચાર દિવસો પહેલા ગુજરાતના કૉંગ્રેસના વિધાનસભ્ય ડૉ. કિરીટ પટેલે પણ આવી જ નારજગી દર્શાવી હતી અને પક્ષના વિધાનસભ્યોને અને પક્ષને એકત્રિત રાખવાનો કોર્ પ્રયાસ ન થતો હોવાનું દુઃખ વ્યક્ત કરી પક્ષ છોડવા સુધીની વાત કરી હતી. કૉંગ્રેસના પાટણના વિધાનસભ્યએ આ મામલે ભાજપના વખાણ પણ કર્યા હતા કે તેમનું સંગઠન પક્ષના નેતા સાથે ઊભું રહે છે અને તેમની માટે કામ કરે છે.
એક તરફ કૉંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે લોકસભાની ચૂંટણીમા પડકાર ઝીલવા હમ તૈયાર હૈના નારા સાથે કાર્યક્રમો યોજી રહી છે ત્યારે પોતાના જ કાર્યકરોના અસંતોષ અને ખેદને સમજી તેના નિરાકરણ માટે કંઈક કરે તો ચૂંટણીના પરિણામોમાં અસર દેખાય.