કૉંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રધાનના પુત્રએ પકડી ભાજપની વાટ: ભાજપને મોટો ફાયદો
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શુક્રવારે યોજવામાં આવ્યું હતું,એવામાં હજી પણ પક્ષપલટાનો સિલસિલો મહારાષ્ટ્રમાં ચાલુ જ છે. જોકે, આ પક્ષપલટાની માઠી અસર મહાવિકાસ આઘાડી અને તેમાં પણ મુખ્યત્ત્વે કૉંગ્રેસને થઇ રહી છે. અશોક ચવ્હાણ અને બાબા સિદ્દીકી જેવા મોટા નેતાઓ ગુમાવ્યા બાદ હવે કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે અને પોતાના પક્ષના એક મોટા નેતાને ગુમાવ્યા છે. ભૂતપૂર્વ પ્રધાન મધુકરરાવ ચવ્હાણના પુત્રએ કૉંગ્રેસનો સાથ થોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લેતા કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં વધુ બેકફૂટ પર ગઇ હોવાનું જણાઇ રહ્યું છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ આવતીકાલે મહારાષ્ટ્રમાં 5 બેઠક માટે મતદાન
મધુકરરાવ ચવ્હાણના પુત્ર સુનિલ ચવ્હાણ ટૂંક સમયમાં ભાજપમાં સામેલ થવાના હોવાના અહેવાલ વહેતા થયા છે. બે દિવસ પહેલા જ બસવરાજ પાટીલ હોત્રાની હાજરીમાં મધુકરરાવ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. હવે મધુકરરાવ કૉંગ્રેસમાં જ રહેશે જ્યારે તેમના પુત્ર સુનિલ ભાજપમાં જોડાશે, તેવા અહેવાલ મળી રહ્યા છે. મધુકરરાવ તુળજાપુરના કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય છે અને તે ભૂતપૂર્વ પ્રધાન પણ રહી ચૂક્યા છે.
સુુનિલ પાટીલના ભાજપમાં જોડાવાના અહેવાલ ત્યારે મળી રહ્યા છે જ્યારે તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના સચિવ પદેથી રાજીનામુ આપી દીધુ છે. સુનિલ ભાજપમાં પ્રવેશ કરે તો ધારાશિવ લોકસભા બેઠક પર મહાયુતિને તેનો ઘણો ફાયદો થઇ શકે એમ છે. મહાયુતિએ ધારાશિવ બેઠક પરથી અર્ચના પાટીલને ઉમેદવારી સોંપી છે અને સુનિલ પાટીલના ભાજપ પ્રવેશનો તેમને સીધો ફાયદો થશે, તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.