માતા પર હુમલો કરવા જઇ રહેલા પિતાની પુત્રએ કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા: મૃતદેહ સળગાવ્યો

પાલઘર: પાલઘર જિલ્લામાં બોલાચાલી થયા બાદ માતા પર હુમલો કરવા જઇ રહેલા પિતાને પુત્રએ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પિતાના મૃતદેહની સાથે લોહીથી કુહાડીને પણ સળગાવી દીધી હતી. વાડા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પુત્રની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વાડા પોલીસ સ્ટેશનની હદમાં વરનોલ ગામમાં 20 મેના રોજ આ ઘટના બની હતી. આ પ્રકરણે ગામવાસીઓએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે 21 વર્ષના આરોપી અક્ષય હદાલને કસ્ટડીમાં લીધો હતો.
અક્ષયના પિતા વિલાસ હદાલ દારૂના વ્યસની હતા અને તે દારૂના નશામાં ઘરે આવ્યા બાદ પત્ની સાથે ઝઘડો કરતા હતા. ઘટનાને દિવસે વિલાસ દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને પત્ની સાથે તેની બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા વિલાસ કુહાડી લઇને તેની પત્ની પર હુમલો કરવા દોડ્યો હતો.
એ સમયે માતાને બચાવવા અક્ષય વચ્ચે પડ્યો હતો અને તેણે પિતાના હાથમાંથી કુહાડી આંચકી લીધી હતી. અક્ષયે બાદમાં પિતા પર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુનો છુપાવવા માટે અક્ષયે તેના પિતાના મૃતદેહની સાથે કુહાડી પણ સળગાવી દીધી હતી. ઉપરાંત આ અંગે પોલીસને જાણ કરતાં જાનથી મારી નાખવાની ગામવાસીઓને ધમકી આપી હતી. વાડા પોલીસે આરોપી અક્ષય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા) અને 238 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…પાલઘરના રહેવાસીઓને રાહતપશ્ચિમ રેલ્વેની લાંબા અંતરની ટ્રેનોને પાલઘર ઊભી રખાશે…