તો શું ચૂંટણી પરિણામો બાદ એનડીએ સાથે હાથ મિલાવશે ઉદ્ધવ ઠાકરે! જાણો કોણે કર્યો આ દાવો
મહારાષ્ટ્રના વિધાન સભ્ય રવિ રાણા એક અપક્ષ સાંસદ છે. તેમના પત્ની નવનીત રાણા અમરાવતીના સાંસદ છે અને હાલમાં જ ભાજપમાં પ્રવેશ્યા છે. હવે રવિ રાણાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે 20 જૂન સુધીમાં ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવશે.
રવિ રાણાએ કહ્યું હતું કે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે મોદીજી ફરીથી વડા પ્રધાન બન્યાના 15 દિવસ બાદ ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં જોવા મળશે. આવનારો સમય મોદીજીનો છે અને ઉદ્ધવ ઠાકરે આ વાત જાણે છે. મોદીજી બાળાસાહેબ ઠાકરેના વિચારોને આગળ લઇ જઇ રહ્યા છે.
રવિ રાણાએ એમ પણ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓએ BPની દવાઓ અને ડૉક્ટરો પોતાની સાથે રાખવા જોઈએ… કારણ કે તેમના ઘણા નેતાઓ ચાર જૂને બિમાર પડી જશે. 2019 માં ભાજપ-શિવસેના અલગ થયા બાદ MVAની રચના કરવામાં આવી હતી. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની બળવાખોર પાંખે બળવો કર્યો ત્યાં સુધી MVAએ મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં આવતા રોકી દીધી હતી.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરી ધારાને ભુલાવી દેવાયો
જોકે, ઠાકરેના જમણા હાથ ગણાતા સંજય રાઉતે આ દાવા પર હાંસી ઉડાવી છે. તેમણે કહ્યું, “ઉદ્ધવ ઠાકરે 25 વર્ષથી શિવસેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે (ચૂંટણી પછી) નિર્ણય લેશે. રવિ રાણા જેવા વ્યક્તિને ઉદ્ધવ ઠાકરે પર કંઈપણ કહેવાનો કોઈ અધિકાર નથી.”
એક સમયના સાથીદાર ઉદ્ધવ ઠાકરે અને મરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો 2019ની ચૂંટણી પછી ઝડપથી બગડ્યા હતા. મહારાષ્ટ્રના નેતાઓએ આ મહિને ભૂતકાળમાં વડાપ્રધાનને ટેકો આપવા અને મત માંગવા બદલ મતદારોની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે, “હું તમને બધાને નરેન્દ્ર મોદીને મત આપવાનું કહેવા બદલ માફી માગુ છું કારણ કે તેમની સરકારે મહારાષ્ટ્રનો વિશ્વાસ તોડ્યો છે.”
જોકે, નરેન્દ્ર મોદી ફરી એકવાર શિવસેના સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના નેતૃત્વવાળી શિવસેના અને એનસીપીના જૂથને વિનંતી કરી હતી કે તેઓ કોંગ્રેસમાં ભળી જઇ મરવાને બદલે તેમના અલગ થયેલા એકમો સાથે મર્જ કરે.
પીએમ મોદીએ બાળાસાહેબ ઠાકરેના તેમના પ્રત્યેના પ્રેમ અને લાગણીનો ઉલ્લેખ કરીને એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરેને ગમે ત્યારે મદદ કરવા તૈયાર છે.