…તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શિંદે કેબિનેટના સભ્યો અયોધ્યા જશે

મુંબઈઃ 22મી જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યામાં દર્શન કરનારા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વીવીઆઈપી લોકોના દર્શન માટે અત્યારે ઉત્તર પ્રદેશ સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. હવે વિવિધ રાજ્ય સરકાર (ભાજપ)ની કેબિનેટના સભ્યોને અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટેની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત બાદ હવે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટના સભ્યો પણ અયોધ્યા જવાની અટકળો પર જોર પકડાયું છે.
મહારાષ્ટ્ર કેબિનેટના સભ્યો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રામ મંદિરમાં દર્શન કરવા માટે અયોધ્યાની મુલાકાત લેશે. આ યાત્રા પાંચમી ફેબ્રુઆરીએ થવાની શક્યતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત મહારાષ્ટ્રમાં મંત્રી મંડળમાં ૨૯ સભ્યો છે.
સોમવારે અયોધ્યા મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ લલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
અભિષેક સમારોહના એક દિવસ પછી મંદિરના દરવાજા લોકો માટે ખોલવામાં આવ્યા હતા. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની પૂર્વસંધ્યાએ, સીએમ શિંદેએ રવિવારે કહ્યું હતું કે તેઓ તેમના કેબિનેટ સાથીદારો તેમજ ધારાસભ્યો અને રાજ્યના લોકસભા સાંસદો સાથે અયોધ્યા રામ મંદિરના ‘દર્શન’ માટે જવાની યોજના ધરાવે છે. જોકે, તેમણે ૨૨ જાન્યુઆરીએ અભિષેક સમારોહમાં હાજરી આપી નહોતી. ફડણવીસે પણ પત્રકારોને કહ્યું હતું કે તેઓ ફેબ્રુઆરીમાં “રામ સેવા” માટે અયોધ્યા જશે.