તો શિંદે વિના જ શપથવિધિ પાર પાડવાની ભાજપની યોજના હતી: આવો દાવો ઉદ્ધવ-સેનાના સંજય રાઉતે કર્યો છે
મુંબઈ: એકનાથ શિંદે નારાજ હોત તો પણ ભાજપ હાઇકમાન્ડે શપશવિધિ કાર્યક્રમ આગળ વધારવાની યોજના બનાવી હતી, તેથી જ શિંદેને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લેવા પડ્યા, એવો દાવો શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે કર્યો હતો.
મહાયુતિને બહુમતિ ભલે મળી હોય, પરંતુ તેના સાથી પક્ષોમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેથી જ રાજ્ય સરકારેને અત્યાર સુધી સંપૂર્ણ કેબિનેટ મળી નથી. મોટા પ્રમાણમાં જનમત મળ્યા બાદ પણ ભાજપને સરકારની રચના કરવામાં ૧૫ દિવસ લાગ્યા હતા, એમ રાઉતે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
આપણ વાંચો: શિવસેનાના વિધાનસભ્યોના ‘વર્ષા’ પર ધરણાં, એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા મનાવ્યા
‘એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા. શિંદે હજી વધુ સમય સુધી રીસાયા હોત તો તેમના વગર જ શપથવિધિ આગળ વધારવાની ભાજપે યોજના બનાવી હતી. જો શિંદે ભાજપ પર દબાણ લાવવા માટે નારાજ રહ્યા હોત તો તેમના વગર જ કાર્યક્રમ આગળ વધારવાનું સૂચન હાઇકમાન્ડ તરફથી મળ્યું હતું’, એવો રાઉતે દાવો કર્યો હતો.
આપણ વાંચો: હૉસ્પિટલમાંથી પાછા ફરેલા એકનાથ શિંદેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ…
ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને રાજ્યમાં વેરભાવનાનું રાજકારણ કરી રહી છે, એમ રાઉતે આક્ષેપ કર્યો હતો.
શિંદેને લક્ષ્ય બનાવતા રાઉતે કહ્યું હતું કે આ વખતની શપથવિધિમાં અમુક ચહેરાઓ ખુશ નહોતા દેખાયા. ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા ત્યારે પણ તે લોકોના મોઢા પડેલા હતા.