…તો ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પરથી કદાચ આ સાંસદને ભાજપ રિપિટ નહીં કરે
મુંબઈ: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે બે યાદી જાહેર કરવામાં આવી અને તેમાં હાલ સાંસદ હોય તેવા અનેક નેતાઓનું પત્તુ કાપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, ભાજપ અને કૉંગ્રેસ બે દિવસની અંદર પોતાની ત્રીજી યાદી પણ બહાર પાડશે. જોકે, મુંબઈની સૌથી મહત્ત્વની ગણાતી ઉત્તર મધ્ય મુંબઈની સીટ પરથી ભાજપનાં પૂર્વ સાંસદને રિપિટ કરવાની શક્યતા નહીંવત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈમાં ભાજપે એક સાંસદની ટિકિટ કાપી છે ત્યારે ભાજપના મુંબઈ ખાતેના વધુ એક સાંસદને પણ ટિકિટ નકારવામાં આવે, તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી છે. ઉત્તર-મધ્ય મુંબઈના ભાજપનાં સાંસદ તેમ જ ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ મહાજનને આ વખતે ઉમેદવારી નહીં આપવામાં આવે, તેમ જાણવા મળ્યું છે.
આપણ વાંચો: ભાજપ લોકસભા ઉમેદવારોની બીજી યાદી સોમવારે જાહેર કરી શકે, કાલે CECની મહત્વની બેઠક
પંકજા મુંડેના બીજા બહેન પણ ઉમેદવારી ગુમાવશે
ભાજપે જેને બીડ બેઠક ઉપરથી ઉમેદવારી આપી છે તેવા પંકજા મુંડેના બીજા બહેનનું પણ પત્તું કપાશે. હાલ બીડ ખાતેથી પંકજા મુંડેના બહેન પ્રીતમ મુંડે સાંસદ છે. જોકે, આ વખતે પ્રીતમ મુંડેને બદલે પંકજા મુંડેને ઉમેદવારી આપવાનો નિર્ણય લેવાયો. હવે પૂનમ મહાજન પણ પંકજાના બહેન થાય એટલે કે પંકજાના બીજા બહેનને પણ આ ચૂંટણીમાં લોકસભાની બેઠક ગુમાવવી પડે તેવી શક્યતા છે. પંકજા મુંડેના માતા તે પ્રમોદ મહાજનના બહેન થાય અને એ હિસાબે પૂનમ મહાજન પંકજાના માસીના દીકરી થાય છે.
આપણ વાંચો: વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ
મતદારો સાથે સંપર્ક તૂટ્યો તેવા સાંસદોની ટિકિટ છીનવાઇ
બે વખત તક આપ્યા છતાં જે સાંસદોએ પોતાના મતવિસ્તારમાં મહત્ત્વની કામગીરી કરી નથી તેવા સાંસદોને ટિકિટ આપવાથી ભાજપ બચી રહી છે. ભાજપે 115 ઉમેદવારની પહેલી યાદી બહાર પાડી તેમાં ત્રીસ સાંસદની ટિકિટ કપાઇ હતી, જ્યારે 72 ઉમેદવારની બીજી યાદીમાં ભાજપના 33 સાંસદની બેઠક છીનવાઇ હતી. સૌથી વધુ ઉત્તર પ્રદેશના સાંસદોનું પત્તું અત્યાર સુધી જાહેર કરાયેલી યાદીમાં કપાયું હતું. મહારાષ્ટ્રના આ સાંસદોની ટિકિટ કપાઇ શકે છે, જેમાં પૂનમ મહાજન, અશોક નેતે, સુનિલ મેંઢે જયસિદ્ધેશ્ર્વર સ્વામીનો સમાવેશ થાય છે.