બૅન્ગકોકથી દુર્લભ પ્રાણીઓ લાવનારા ભારતીય નાગરિકની ઍરપોર્ટ પર ધરપકડ | મુંબઈ સમાચાર

બૅન્ગકોકથી દુર્લભ પ્રાણીઓ લાવનારા ભારતીય નાગરિકની ઍરપોર્ટ પર ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ બૅન્ગકોકથી આવેલા ભારતીય નાગરિકની ધરપકડ કરી કથિત દાણચારીથી લવાયેલાં દુર્લભ પ્રાણી જપ્ત કર્યાં હતાં. આરોપી પાસેથી સર્પ અને કાચબા મળી આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મળેલી માહિતીને આધારે કસ્ટમ્સના અધિકારીઓએ શનિવારે બૅન્ગકોકથી મુંબઈ આવી પહોંચેલા ભારતીય નાગરિકને ઍરપોર્ટ પર આંતર્યો હતો. પૂછપરછ કરવામાં આવતાં આરોપી ઉડાઉ જવાબ આપવા લાગ્યો હતો. શંકાને આધારે તેના સામાનની તપાસ કરવામાં આવતાં દુર્લભ પ્રાણીઓ મળી આવ્યાં હતાં.

અધિકારીએ જણાવ્યું હતું કે બૅગમાંથી ત્રણ સ્પાઈડર ટેઈલ્ડ હૉર્ન વાઈપર્સ, પાંચ એશિયન લીફ ટર્ટલ્સ અને 44 ઈન્ડોનેશિયન પીટ વાઈપર્સ મળી આવ્યાં હતાં. આ પ્રકરણે ગુનો નોંધી રવિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કસ્ટમ્સ ઍક્ટ લગાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: આ દુર્લભ પ્રાણી દેખાયું કચ્છમાંઃ વન વિભાગના કેમેરામાં થયું કેદ

જપ્ત કરાયેલાં દુર્લભ પ્રાણીઓ જે દેશમાંથી લાવવામાં આવ્યાં હતાં ત્યાં પાછાં મોકલી દેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આરોપી મુંબઈમાં આ પ્રાણીઓ કોને આપવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

કસ્ટમ્સના એક અધિકારીના કહેવા મુજબ આ પ્રાણીઓ બૅન્ગકોકમાં સસ્તામાં મળતાં હોવાથી ત્યાં લાવીને ભારતમાં ઊંચી કિંમતે વેચવામાં આવે છે. ફેબ્રુઆરીમાં પણ કસ્ટમ્સ દ્વારા એક પ્રવાસીને પકડી પાડવામાં આવ્યો હતો. કુઆલા લમ્પુરથી મુંબઈ આવેલા આ પ્રવાસી પાસેથી પાંચ સિયામાંગ ગિબ્બો મળી આવ્યા હતા

સંબંધિત લેખો

Back to top button