ઘરમાંથી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનાં હાડપિંજર મળ્યાં: હત્યાનો ગુનો નોંધાયો
પાલઘર: પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં આવેલા એક ઘરમાંથી પોલીસને ત્રણ હાડપિંજર મળી આવ્યાં હતાં, જે એ ઘરમાં રહેતાં વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનાં હોવાનું પોલીસનું માનવું છે. આ પ્રકરણે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તા ક્ધિદ્રેએ જણાવ્યું હતું કે વાડા તહેસીલના નેહરોલી ગામના ઘરમાંથી શુક્રવારે ત્રણ વ્યક્તિનાં હાડપિંજર મળી આવ્યાં હતાં. ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની પડોશીઓએ ફરિયાદ કરી હતી. ઘર અંદરથી લૉક હોવાથી પોલીસને જાણ કરાઈ હતી.
આ પણ વાંચો: રાજકોટમાં આર્થિક તંગીથી ત્રસ્ત વૃદ્ધ દંપતીએ પુત્ર સાથે કરી આત્મહત્યા, ત્રણેયના મૃતદેહ ઓટો રિક્ષામાંથી મળ્યા
ઘટનાસ્થળે પહોંચી પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો. અંદરનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ઘરના ડ્રોઈંગ રૂમમાંથી બે મહિલા અને બાથરૂમમાંથી પુરુષના મૃતદેહના અવશેષ મળ્યા હતા. મૃતદેહો કોહવાઈ ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ઘરમાં 70 વર્ષના પતિ તેમની 65 વર્ષની પત્ની અને 35 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. આ હાડપિંજર એ જ ત્રણ જણના હોવાનું પોલીસનું માનવું છે. દંપતીના બે પુત્ર વસઈ પરિસરમાં રહે છે. ત્રણેયની હત્યા કરાઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)