નાશિકમાં દીપડાએ કરેલા હુમલામાં વનવિભાગના છ કર્મચારી, ત્રણ ગામવાસી ઘાયલ
મુંબઈ: નાશિક જિલ્લામાં છેલ્લા બે દિવસમાં દીપડાએ કરેલા હુમલામાં વનવિભાગના છ કર્મચારી અને ત્રણ ગામવાસી ઘવાયા હતા. વનવિભાગના ત્રણમાંથી એક કર્મચારીની હાલત નાજુક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વન અધિકારીના જણાવ્યા અનુસાર દીપડાને ઇજા પહોંચી હોવાની આશંકા છે અને તેને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દીપડાએ પ્રથમ ઇગતપુરી તાલુકાના ઉંબરકોન ગામમાં ગુરુવારે સાંજે પવન સૂર્યાજી સારુક્ટે (12) નામના સગીર પર હુમલો કર્યો હતો. પવન તેના માતા-પિતા સાથે ખેતરે જઇ રહ્યો હતો. ઘવાયેલા પવનને ઘોટી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
વનવિભાગ દ્વારા પાંજરાં તૈયાર કરીને દીપડાની શોધ ચલાવી હતી. જોકે શુક્રવારે વહેલી સવારના દીપડાએ બે ગામવાસી અને વનવિભાગના છ કર્મચારી પર હુમલો કર્યો હતો.
દીપડાનો પંજો જીભ પર વાગતાં વનરક્ષકને ગંભીર ઇજા થઇ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)