ફ્રોડનો એસઆઈપી: 28 દિવસ, 63 લાખ કૉલ અને 86,910 લોકોની છેતરપિંડી
એસઆઈપી સિસ્ટમ દ્વારા ચીન, પાકિસ્તાન, કૅનેડા, નેપાળ અને બાંગ્લાદેશમાંથી ભારતીયો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ મહાષ્ટ્રમાં પકડાયું: 11ની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેશન ઈનિશિયેશન પ્રોટોકૉલ (એસઆઈપી) સિસ્ટમનો ઉપયોગ કરીને વિદેશમાં બેઠાં બેઠાં ભારતીય નાગરિકો સાથે સાયબર ફ્રોડ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી રાયગડ પોલીસે 11 આરોપીની ધરપકડ કરી હતી.
ઉચ્ચ શિક્ષિતો દ્વારા ચલાવવામાં આવતા આ રૅકેટમાં સામેલ વિવિધ રાજ્યોના આરોપીઓનાં 112 બૅન્ક ખાતાં પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યાં હતાં. એસઆઈપીનો ઉપયોગ કરીને માત્ર 28 દિવસમાં 63 લાખ કૉલ કરનારા આરોપીઓ પાસેથી 6,175 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચે સાયબર ફ્રોડ: યુવાન થાણેમાં પકડાયો
રાયગડ પોલીસે આ રૅકેટના કથિત સૂત્રધારો આદિત્ય ઉર્ફે અભય મિશ્રા અને શમ્સ તાહિર ખાન સહિત 11ની ધરપકડ કરી હતી. બીટેક કૉમ્પ સ્કોલર મિશ્રાને ઉત્તર પ્રદેશના હરદોઈથી અને એમબીએ ડિગ્રીધારક ખાનને રાજસ્થાનના જયપુરથી પકડી પાડવામાં આવ્યો હતો.
રાયગડમાં રહેતા ફરિયાદીને મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી સામે આવી હોવાનો ભય દેખાડી સાયબર ઠગ દ્વારા 66 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં આરોપીએ ડિજિટલ અરેસ્ટને નામે ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. આ પ્રકરણે મે, 2025માં રાયગડની સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને બોગસ નામે કંપની રિજસ્ટર્ડ કરાવતા હતા. બાદમાં એ કંપનીને નામે એસઆઈપી લાઈનનું કનેક્શન લેતા હતા.
આપણ વાંચો: શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી
આ સિસ્ટમનો ઉપયોગ નાગરિકોનો સંપર્ક સાધવા માટે કરવામાં આવતો. ઈન્ટરનેટ કનેક્શનની મદદથી ચાલતી આ સિસ્ટમથી કૉલ કરવામાં આવે તો તેને ટ્રેસ કરવો મુશ્કેલ હોય છે, કારણ કે વારંવાર કૉલ બાઉન્સ થતા હોવાને કારણે તે વિદેશથી કરાયો છે કે ભારતથી એ જાણી શકાતું નથી.
મુખ્ય આરોપી અભય મિશ્રા પાંચ સર્વર ચલાવતો હતો, જેના માધ્યમથી એસઆઈપી સિસ્ટમ દ્વારા છેલ્લા 28 દિવસમાં લગભગ 63 લાખ કૉલ કરવામાં આવ્યા હતા. આમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 86,910 વ્યક્તિને કૉલ કરાયા હતા. આ લોકોને છેતરીને નાણાં પડાવવામાં આવ્યાં હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં સામે આવી હતી.
આરોપી ખાન અગાઉ એસઆઈપી લાઈન માટે માર્કેટિંગ કર્મચારી તરીકે કામ કરતો હતો. તેથી તેને આ સિસ્ટમનું કનેક્શન મેળવવાના માર્ગ અને તેના ઉપયોગની જાણકારી હતી.
આપણ વાંચો: બાન્દ્રાની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા
બોગસ દસ્તાવેજોથી મેળવેલા એસઆઈપી કનેક્શન આરોપીઓ ભારત સહિત પાકિસ્તાન, કૅનેડા, નેપાળ, ચીન અને બાંગ્લાદેશના સાયબર ઠગોને પૂરાં પાડતા હતા. બાદમાં વિદેશમાં બેઠાં બેઠાં ભારતીય નાગરિકોને છેતરવામાં આવતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીના એક સાથી મોહસીન મિયા ખાનને દિલ્હીથી તાબામાં લેવાયો હતો. તેની પાસેથી વિવિધ ટેલિકોમ કંપનીનાં 6,175 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરાતો હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અભય મિશ્રાએ નેપાળમાં સ્થાયી થવાની યોજના બનાવી હતી. આ માટે તેણે નેપાળમાં બંગલો ખરીદી રાખ્યો હતો અને ત્યાનું નાગરિકત્વ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નાગરિકોને છેતરીને પડાવેલાં નાણાંમાંથી મિશ્રાને તેનો ભાગ બિટકોઈનના સ્વરૂપમાં મળતો હતો.