સિગ્નલ બ્રેકડાઉનઃ મોટરમેનની સતર્કતાને કારણે આ લાઈનમાં મોટી હોનારત ટળી ગઈ?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં રોજે હજારો લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જેમાં સિગ્નલથી લઈને ઓએચઈ અને લોકલ ટ્રેન ખોટકાવવાની સમસ્યાને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે. શનિવારે મધ્ય રેલવેની મેઈન લાઈનમાં સિગ્નલમાં ખામીને કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.
રેલવેની સિગ્નલ યંત્રણાની ભૂલને કારણે શનિવારે બે લોકલ ટ્રેનની વચ્ચે મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો. જોકે, મોટરમેનની સાવધાનીને કારણે આ દુર્ઘટના ટળી ગઈ હતી. મધ્ય રેલવેમાં સિગ્નલનો ફોટો લોકલ ટ્રેન ટ્રેનના મોટરમેને કાઢી લીધા હતા, જેને કારણે સબર્બન રેલવેની સિગ્નલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી હોવાની વાતની જાણ થઈ હતી. આ ઘટના બાદ મધ્ય રેલવે પ્રશાસન દ્વારા માર્ગના દરેક સિગ્નલની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારે બપોરે 12.20 વાગ્યે મુંબઈ સીએસએમટી તરફ જનારી લોકલ ટ્રેન ઉલ્હાસનગરથી વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન વચ્ચે સિગ્નલ (પોલ નંબર 5602)માં બંને સિગ્નલ યલો સિગ્નલ આપ્યું હતું. આ સિગ્નલ યલો થઈ ગયા હોવાના નિયમ મુજબ લોકલ ટ્રેનના મોટરમેને ટ્રેનને આગળ હંકારી ગયા હતા, પણ થોડા આગળ જતા આ કોરિડોરમાં બીજી એક ટ્રેન ઊભી રહી હોવાને કારણે મોટરમેને સાવધાનીપૂર્વક ટ્રેનને રોકી હતી, જેથી બંને ટ્રેનોની ટક્કર થતાં રહી ગઈ હતી.
એના સિવાય શનિવારે બપોરે 12.35 વાગ્યે બીજી વખત પણ બંને સિગ્નલે યલો સિગ્નલ આપ્યું હતું. રેલવેની સિગ્નલ યંત્રણામાં વારંવાર ખામી સર્જાતા મોટરમેને પણ ચિંતા વ્યક્ત કરી હતી. રેલવેના નિયમ મુજબ જો કોઈ પણ મોટરમેન સિગ્નલ ક્રોસ કરીને ટ્રેન લઈ જાય છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
તાજેતરમાં બનેલી ઘટનામાં આ ટ્રેનના મોટરમેને બે સિગ્નલ યલો થઈ ગયા હોવાની તસવીરને પોતાના મોબાઇલ કૅમેરામાં કેદ કરી હતી, જેથી રેલવે સિગ્નલ સિસ્ટમમાં ખામી થવાની વાત સામે આવી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા માર્ગના દરેક સિગ્નલ અને સિગ્નલ સિસ્ટમની તપાસ કરવાનો આદેશ જાહેર કર્યો છે.