ડ્રગ્સના કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત પોલીસ સમક્ષ હાજર

મુંબઈ: ડ્રગ્સ જપ્તિના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર મંગળવારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.
અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને બોલીવૂડનો ઍક્ટર-ડિરેક્ટર સિદ્ધાંત કપૂર એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટની ઑફિસે પહોંચ્યો હતો. પોલીસે સિદ્ધાંતનું નિવેદન નોંધ્યું હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસમાં સિદ્ધાંત ઉપરાંત, ઈન્ફ્લુએન્સર ઓરહાન અવતરામાણી ઉર્ફે ઑરીને પણ એએનસીએ 26 નવેમ્બરે બોલાવ્યો હતો.
આપણ વાચો: રૂ. 325 કરોડના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ
એએનસીએ 252 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું. આ કેસના મુખ્ય આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખની પૂછપરછમાં બોલીવૂડની બે સેલિબ્રિટીનાં નામ સામે આવ્યાં હતાં, જેને પગલે એએનસીના ઘાટકોપર યુનિટે બન્નેને સમન્સ પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સના સેવન પ્રકરણે 2022માં બેંગલુરુમાં સિદ્ધાંતને પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ શેખે દાવો કર્યો હતો કે ભારત અને વિદેશમાં તેણે આયોજિત કરેલી રૅવ પાર્ટીઓમાં કેટલીક ફિલ્મ, ફૅશન સિલિબ્રિટી, એક રાજકારણી અને ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો સાથી હાજર રહેતા હતા.
‘લેવિશ’ તરીકે ઓળખાતા શેખને ગયા મહિને જ દુબઈથી ભારતમાં ડિપોર્ટ કરાયો હતો. મહારાષ્ટ્રના સાંગલીમાંથી જપ્ત કરાયેલા 252 કરોડ રૂપિયાના મેફેડ્રોનના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. (પીટીઆઈ)



