
મુંબઈ:- મીરા ભાયંદરમાં ઐતિહાસિક ઘોડબંદર કિલ્લા સહિત શાળાઓ, ઉદ્યાનો અને અન્ય ૩૦ સ્થળોએ શૂટિંગ કરવાની મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે. વહીવટીતંત્રે મહાનગરપાલિકાની આર્થિક આવક વધારવાના હેતુથી શૂટિંગ માટેની આ નવી નીતિ નક્કી કરી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મરાઠી, હિન્દી અને અન્ય ભાષાઓમાં ફિલ્મો અને સિરિયલોનું શૂટિંગ મીરા ભાંયદરમાં થઈ રહ્યું છે. તેથી, આમાંથી આવક મેળવવા અને શહેરને શૂટિંગ માટે આદર્શ શહેર બનાવવા માટે, મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં એક નવી નીતિ ઘડી છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ બાલાપુરના પ્રાચીન કિલ્લાની દીવાલ ધરાશાયી, વીડિયો વાયરલ…
આમાં પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન અને સરળ બનાવવા, મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક નક્કી કરવા અને સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી પગલાં ગોઠવવા માટેની માર્ગદર્શિકા શામેલ છે.
વધુમાં શહેરમાં શૂટિંગ અંગે વિવાદ ટાળવા માટે ૩૦ સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સ્કૂલ, ડિવાઇડર, રસ્તા, લાઇબ્રેરી, કિલ્લાઓ, ઓડિટોરિયમ અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે.
શહેરમાં શૂટિંગ કરતી વખતે ટ્રાફિક વ્યવસ્થા, કચરા વ્યવસ્થાપન, ઇમરજન્સી એન્ટ્રી, અગ્નિશામક યોજનાઓ અને અન્ય જરૂરી બાબતો જેવી સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકાએ વિસ્તારની સમીક્ષા કર્યા પછી જ ફિલ્માંકન માટે પરવાનગી આપવાનો અધિકાર અનામત રાખ્યો છે.
મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને તેની નવી ઘડાયેલી નીતિમાં શૂટિંગ સ્થળે ધ્વનિ પ્રદૂષણ માટે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ, ગેરકાયદે શૂટિંગ માટે દસ ગણો દંડ, જાહેર અવરોધો બનાવવા માટે એક લાખ રૂપિયાનો દંડ અને બગીચાઓ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ૨૦,૦૦૦ રૂપિયા અને તેથી વધુ દંડની જોગવાઈ કરવામાં આવી છે.