આમચી મુંબઈ

શિર્ડીની હોટેલમાંથી મુંબઈના ઝવેરીનું સોનું અને રોકડ ચોરી ડ્રાઈવર ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના ઝવેરીના કર્મચારીઓ શિર્ડીમાં હોટેલની રૂમમાં સૂતા હતા ત્યારે ડ્રાઈવર અંદાજે સાડાત્રણ કિલો સોનાના દાગીના અને ચાર લાખની રોકડ ચોરી ફરાર થઈ ગયો હતો.

શિર્ડી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રણજિત ગલાંડેએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની સવારે પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે વિજય સિંહ ખીસી (32)ની ફરિયાદને આધારે ગુનો નોંધી ઘટના બાદથી ગુમ કાર ડ્રાઈવર સુરેશ કુમાર રાજપૂત (30)ની શોધ હાથ ધરવામાં આવી હતી. રાજપૂત છેલ્લા પાંચેક મહિનાથી જ મુંબઈના ઝવેરી પાસે નોકરી કરતો હતો.

આપણ વાંચો: વ્યંગ : કિસ્સા પાકિસ્તાન કા… જૂતાં ચોરીમાં કોનો હાથ કે પગ હશે?

પોલીસ ફરિયાદ અનુસાર વિજય સિંહ સહિત ઝવેરીના બે કર્મચારી ડ્રાઈવર રાજપૂત સાથે કારમાં સાતમી મેના શિર્ડી પહોંચ્યા હતા. કર્મચારીઓ પાસે 4.873 કિલો સોનાના દાગીના હતા. આ દાગીના અહિલ્યા નગરથી મનમાડ સુધીના વિવિધ જ્વેલર્સને વેચવા માટે લાવવામાં આવ્યા હતા.

દિવસભર કારમાં જ્વેલર્સોની દુકાને ફર્યા પછી રાતે કર્મચારીઓ ડ્રાઈવર સાથે શિર્ડીની હોટેલમાં રોકાતા હતા. આ માટે હોટેલની એક રૂમ અઠવાડિયાથી બુક કરી રાખવામાં આવી હતી અને એક જ રૂમમાં ત્રણેય જણ રાતે સૂઈ જતા હતા.
ફરિયાદ અનુસાર 13 મેની રાતે જમ્યા પછી ત્રણેય જણ રૂમમાં સૂઈ ગયા હતા.

આપણ વાંચો: આયાતી લક્ઝુરિયસ કારની ઓછી કિંમત દર્શાવીને 7 કરોડની ટેક્સ ચોરી, એકની ધરપકડ

સવારે કર્મચારી ઊંઘમાંથી જાગ્યા ત્યારે ડ્રાઈવર રાજપૂત નજરે પડ્યો નહોતો અને રૂમનો દરવાજો ખુલ્લો હતો. શંકાને આધારે કર્મચારીએ બેડ પાસે રાખેલી દાગીના ભરેલી બૅગ તપાસતાં અંદાજે 3.26 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ચાર લાખની રોકડ ગુમ હોવાનું જણાયું હતું.

હોટેલ અને આસપાસના પરિસરમાં રાજપૂતની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. ઉપરાંત, તેનો મોબાઈલ પણ સ્વિચ ઑફ્ફ આવતો હતો. પરિણામે કર્મચારીઓએ ઝવેરીને ફોન કરી બનેલી ઘટનાની જાણ કરી હતી. ઝવેરી તાત્કાલિક શિર્ડી પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શિર્ડી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યા પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button