મુંબઈના વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા શિંદેનો નિર્દેશ

DPDCની બેઠકમાં શિંદેએ અધિકારીઓને આપ્યા આદેશ, આદિત્ય સતત બીજી વખત ગેરહાજર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જિલ્લા આયોજન અને વિકાસ સમિતિ (ડીપીડીસી)ની બેઠક દરમિયાન અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ તમામ વિકાસલક્ષી કાર્યો તેમના ધોરણો જાળવી રાખીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરે. મુંબઈ શહેરના પાલક પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે જો વિકાસ કાર્યો સમયસર અને ગુણાત્મક રીતે પૂર્ણ થાય તો શહેરનો સર્વાંગી વિકાસ શક્ય છે.
શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય અને ડીપીડીસી ના સભ્ય આદિત્ય ઠાકરે સતત બીજી વખત બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમના પક્ષના સાથીઓ અને સાંસદો અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ) અને અનિલ દેસાઈ (મુંબઈ દક્ષિણ મધ્ય) પણ બેઠકમાં ગેરહાજર હતા. શિંદેએ અધિકારીઓને જણાવ્યું હતું કે દરેક યોજના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચાડવી જોઈએ જેથી મુંબઈ તમામ ટકાઉ વિકાસ લક્ષ્યોમાં મોખરે રહે.
આ પણ વાંચો: આનંદો મુંબઈના વિકાસ આડેનો અવરોધ દૂર થયો
“નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૂચના આપી હતી કે જિલ્લા આયોજન અને વિકાસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવતા તમામ વિકાસ કાર્યો તેમના ધોરણો અને ગુણવત્તા જાળવી રાખીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ,” તેમના કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.
૨૦૨૫-૨૬ની વાર્ષિક જિલ્લા યોજના હેઠળ, સામાન્ય યોજનાઓ માટે ૫૨૮ કરોડ રૂપિયા, અનુસૂચિત જાતિ સંબંધિત કાર્યો માટે ૨૨ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મંજૂર થયેલા કામો અને રકમ નિર્ધારિત સમયમાં ખર્ચ થવી જોઈએ.
શિંદેએ અંતે જણાવ્યું હતું કે બાકી રહેલા આવાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતાના ધોરણે સુવ્યવસ્થિત કરવામાં આવશે. આ માટે, સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી, મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી, સિડકો, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્હાડા એ સંકલિત રીતે કામ કરવું જોઈએ.